ટેક્સમાં વધારાને પગલે ભારતના લોકો માટે પહેલી ઓક્ટોબરથી વિદેશ ટૂર પેકેજ અને વિદેશમાં નાણા મોકલવાનું મોંઘું થયું છે. હવે રૂ.7 લાખથી વધુના ટૂર પેકેજ પર 20 ટકા TCS (Tax Collected at Source) ચુકવવો પડશે, જે પહેલા 5 ટકા હતો. ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ની LRS (લિબરલાઈઝ્ડ રેમિટન્સ સ્કીમ) હેઠળ, 1 ઓક્ટોબર, 2023 થી વિદેશી રેમિટન્સ પર 20 ટકા TCS ચૂકવવા પડશે, જેના પર અત્યાર સુધી 5 ટકા TCS હતો. અગાઉ આ નિયમ 1 જુલાઈ, 2023થી લાગુ થવાનો હતો, પરંતુ સરકારે ત્રણ મહિનાનો વધારો આપીને પહેલી ઓક્ટોબરથી તેને લાગુ કરવાનો નિર્ણય કર્યો હતો.
સરકારના આ નિર્ણયથી ટૂર પેકેજ પર વિદેશ જનારાઓ પર સૌથી વધુ ફટકો પડશે. નવા નિયમ હેઠળ, રૂ.7 લાખથી વધુની કિંમતના ટૂર પેકેજ પર 20 ટકા TCS ચૂકવવા પડશે, જ્યારે રૂ. 7 લાખથી ઓછી કિંમતના ટૂર પેકેજ પર 5 ટકા TCS ચાલુ રહેશે. ટૂર ઓપરેટરોનું માનવું છે કે સરકારના 20 ટકા TCSના નિર્ણયની અસર ટુરીઝમ ઇન્ડસ્ટ્રી પર પડી શકે છે. ટ્રાવેલ એજન્ટ એસોસિએશન ઓફ ઈન્ડિયાએ સરકારને વિદેશ પ્રવાસ પેકેજ પર 20 ટકા TCS નાબૂદ કરવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે આના કારણે ડોમેસ્ટિક ટૂર ઓપરેટરોને નુકસાન થશે.
આ નિર્ણયથી વિદેશમાં મેડિકલ કે એજ્યુકેશન પર રૂ.7 લાખથી વધુના ખર્ચને અસર થશે નહીં. પરંતુ જૂની ટેક્સ પ્રણાલીની જેમ 7 લાખ રૂપિયાથી વધુના મેડિકલ અને એજ્યુકેશન ખર્ચ પર 5 ટકા TCS વસૂલવાનું ચાલુ રહેશે. RBIના LRS અંતર્ગત TCSમાં જે વધારો કરવામાં આવ્યો છે તેમાં પહેલા વિદેશમાં ઇન્ટરનેશનલ ક્રેડીટ કાર્ડથી કરવામાં આવતા ખર્ચને પણ સમાવવામાં આવ્યો હતો પરંતુ સરકારે બેંકો અને કાર્ડ નેટવર્ક્સ તરફથી આ ફેરફાર બાબતે તૈયારી બતાવવામાં સમય લગતા ક્રેડીટ કાર્ડ પર હાલ TCS બાબતના નિર્ણયને મૌકુફ રાખ્યો છે.
નાણા મંત્રાલયે દલીલ કરી હતી કે ડેબિટ કાર્ડ દ્વારા કરવામાં આવતી ચૂકવણી LRSમાં સામેલ છે પરંતુ ક્રેડિટ કાર્ડ દ્વારા વિદેશમાં કરવામાં આવતા ખર્ચ તેમાં સામેલ નથી. જેના કારણે ઘણા લોકો ક્રેડિટ કાર્ડ પેમેન્ટ કરતી વખતે આ લીમીટ ક્રોસ કરી જતા હતા. RBIએ સરકારને ઘણી વખત પત્રો લખીને વિદેશમાં ડેબિટ અને ક્રેડિટ પેમેન્ટ કરવામાં ભેદભાવ પુરા કરવા જણાવ્યું હતું.
નાણાકીય વર્ષ 2023-24 માટે પહેલી ફેબ્રુઆરી, 2023એ રજૂ કરાયેલા બજેટમાં નાણા પ્રધાન નિર્મલા સીતારામને વિદેશી પ્રવાસ પેકેજો અને LRS હેઠળ વિદેશમાં મોકલવામાં આવેલા નાણાં પર TCS દર 5 ટકાથી વધારીને 20 ટકા કરવાની જાહેરાત કરી હતી.