ચાન્સેલર જેરેમી હન્ટે જણાવ્યું હતું કે તેઓ માર્ચમાં તેમના બજેટ સ્ટેટમેન્ટમાં આર્થિક વિકાસને વેગ આપવા માટે કરવેરામાં કપાત કરી શકે છે. આ બજેટ સ્ટેટમેન્ટ સંભવતઃ આ વર્ષે આવનારી રાષ્ટ્રીય ચૂંટણી પહેલાંનું તેમનું છેલ્લું હશે. વડા પ્રધાન સુનકે તા. 19ના રોજ જણાવ્યું હતું કે ‘’જો જવાબદારીપૂર્વક સંચાલન કરવામાં આવે તો વધુ ટેક્સ કાપ આવશે.’’
હન્ટે ધ મેઇલ ઓન સન્ડે અખબારમાં લખ્યું હતું કે “આગામી સ્પ્રિંગ બજેટમાં મારી પ્રાથમિકતા આપણી પ્રગતિને અને આર્થિક વૃદ્ધિને આગળ વધારવાની રહેશે. જો આપણે અર્થતંત્રમાં ટકાઉ વિકાસ કરી શકીશું તો અમે પરિવારો પરના દબાણને દૂર કરી શકીએ છીએ અને જાહેર સેવાઓમાં રોકાણ કરવા માટે જરૂરી આવક પેદા કરી શકીએ છીએ. અર્થતંત્રના અમારા સાવચેતીભર્યા સંચાલનને કારણે, અમે ફરીથી ટેક્સમાં કપાત કરવાનું શરૂ કરી શકીએ છીએ જે અમારી વૃદ્ધિને વેગ આપે છે.’’
હન્ટ 6 માર્ચના રોજ તેમનું વાર્ષિક નાણાકીય સ્ટેટમેન્ટ આપનાર છે અને 2024માં યોજાનારી ચૂંટણી પહેલા વડા પ્રધાન ઋષિ સુનકની ટોરી પાર્ટીની જીતવાની તકોને વધારવામાં મદદ કરવા માટે કરવેરા ઘટાડવાની વ્યાપક અપેક્ષા છે.
ઓપિનિયન પોલમાં વિપક્ષી લેબર કરતા ટોરી પક્ષ લગભગ 20 ટકા પોઈન્ટ પાછળ ચાલી રહ્યો છે.