બીસીસીની નવી દિલ્હી અને મુંબઈ ખાતેની ઓફિસ પર ત્રણ દિવસની સરવે કાર્યવાહી પછી ભારતના આવકવેરા વિભાગે શુક્રવાર, 17 ફેબ્રુઆરીએ દાવો કર્યો હતો કે બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશનની હિસાબોમાં કેટલીક અનિયમિતતા શોધી કાઢી છે.
બ્રિટિશ પબ્લિક બ્રોડકાસ્ટરે વડાપ્રધાન મોદી અને 2002ના ગુજરાત રમખાણો પર બે ભાગની શ્રેણી પ્રસારિત કર્યાના એક અઠવાડિયા પછીના આવકવેરા વિભાગે આ કાર્યવાહી કરી હતી. આવકવેરા વિભાગે જણાવ્યું હતું કે બીબીસીના વિવિધ એકમો દ્વારા જાહેર કરાયેલ આવક અને નફો તેના બિઝનેસના કદના સંદર્ભમાં યોગ્ય જણાતા નથી.
બીબીસીનું નામ લીધા વિના આઇટી વિભાગે કહ્યું કે વિભાગે “કેટલાક પુરાવા એકઠા કર્યા છે અને હજુ પણ કર્મચારીઓના નિવેદનો, ડિજિટલ ફાઇલો અને દસ્તાવેજોમાંથી તપાસની પ્રક્રિયા ચાલુ છે. તેના તારણો “સૂચવે છે કે અમુક રેમિટન્સ પર ટેક્સ ચૂકવવામાં આવ્યો નથી. કેટલાંક રિમિટન્સને બીબીસી ગ્રૂપના વિદેશી એકમો દ્વારા ભારતમાં આવક તરીકે જાહેર કરાઈ નથી.
આ સરવે કાર્યવાહીમાં બહાર આવ્યું છે કે ટ્રાન્સફર પ્રાઇસીંગ ડોક્યુમેન્ટેશનના સંદર્ભમાં ઘણી વિસંગતતાઓ અને અસંગતતાઓ પણ દર્શાવવામાં આવી છે.
ટેક્સ સત્તાવાળાએ બીબીસીના કર્મચારીઓ સામે તપાસમાં વિલંબ કરવાના પ્રયાસોનો પણ આક્ષેપ કર્યો હતો. “ગ્રૂપનું આવું વલણ હોવા છતાં, સરવે કાર્યવાહી એવી રીતે હાથ ધરવામાં આવી હતી કે જેથી રેગ્યુલર મીડિયા/ચેનલ કામગીરી ચાલુ રહે.” એમ ટેક્સ વિભાગે એક નિવેદનમાં જણાવ્યું હતું.
બીબીસીએ હજુ સુધી આરોપોનો જવાબ આપ્યો નથી. ગુરુવાર સાંજે દિલ્હી અને મુંબઈમાં તેની ઑફિસમાં 60-કલાકની સરવે કાર્યવાહી સમાપ્ત થયા પછી, કંપનીએ કહ્યું કે તે સત્તાવાળાઓને સહકાર આપવાનું ચાલુ રાખશે.
બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (બીબીસી)ની ઓફિસમાં મંગળવારે સવારે 11:30 વાગ્યાની આસપાસ ચાલુ થઈ હતી અને ગુરુવારની સાંજ સુધી ચાલી હતી.
અગાઉ ટેક્સ અધિકારીઓએ જણાવ્યું હતું કે સરવે ટીમો નાણાકીય વ્યવહારો, કંપનીનું માળખું અને સમાચાર કંપની વિશેની અન્ય વિગતો પર જવાબો શોધી રહી છે અને પુરાવા એકત્ર કરવાના તેમના કાર્યના ભાગરૂપે ઇલેક્ટ્રોનિક ગેજેટ્સમાંથી ડેટાની નકલ કરી રહી છે.
બીસીસી પરની સરવે કાર્યવાહીને રાજકીય મુદ્દો પણ બની ગયો હતો. વિરોધ પક્ષોએ તેને રાજકીય કિન્નાખોરી ગણાવી હતી. ભાજપે બીબીસી પર દ્વેષપૂર્ણ રીપોર્ટિંગ કરવાનો આક્ષેપ કર્યો હતો, જયારે વિરોધ પક્ષોએ આ કાર્યવાહીના સમય અંગે સવાલ ઉઠાવ્યા હતા. અહીં ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગેની “ઇન્ડિયા ધ મોદી ક્વેશ્ચન” નામની બે ભાગની ડોક્યુમેન્ટ્રી પ્રસારિત કરી હતી.