ભારત સરકારે કાયદાના કથિત ઉલ્લંઘનને કારણે જાણીતા એનજીઓ સેન્ટર ફોર પોલિસી રિસર્ચ (CPR)ના વિદેશી ભંડોળ મેળવવા માટેના FCRA લાયસન્સને છ મહિના માટે બુધવારે સસ્પેન્ડ કર્યું હતું. કોંગ્રેસના નેતા મણિશંકર ઐયરની પુત્રી યામિની અય્યર દિલ્હી સ્થિત આ સેન્ટરની પ્રમુખ અને ચીફ એક્ઝિક્યુટિવ છે. FCRA હેઠળના લાયસન્સને સસ્પેન્ડ કરાયા પછી આ સેન્ટર વિદેશમાંથી કોઈ ભંડોળ પ્રાપ્ત કરી શકશે નહીં.
અધિકારીઓએ જણાવ્યું હતું કે CPRના દાતાઓમાં બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન, યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા, વર્લ્ડ રિસોર્સિસ ઇન્સ્ટિટ્યૂટ અને ડ્યુક યુનિવર્સિટીનો સમાવેશ થાય છે. CPRની વેબસાઈટ મુજબ તેના ગવર્નિંગ બોર્ડના ભૂતપૂર્વ સભ્યોમાં ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ વાય વી ચંદ્રચુડનો સમાવેશ થાય છે.
એનજીઓ તરીકે કામ કરતાં CPRએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તે સત્તાવાળાઓને સંપૂર્ણ સહકાર આપવાનું ચાલુ રાખશે. તે કાયદાનું સંપૂર્ણ પાલન કરે છે અને તેનું કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા (કેગ) સહિત સરકારી સત્તાવાળાઓ નિયમિતપણે તપાસ અને ઓડિટ કરે છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં CPR અને ઓક્સફામ ઈન્ડિયા સામે ટેક્સ સત્તાવાળાના સરવે પછી સીપીઆર તપાસના ઘેરાવામાં હતું. સીપીઆરનું ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ (એફસીઆરએ) હેઠળનું લાઇસન્સ કાયદાના કથિત ઉલ્લંઘનને કારણે સસ્પેન્ડ કરાયું છે. ઓક્સફામનું FCRA લાયસન્સ ગયા વર્ષે જાન્યુઆરીમાં સસ્પેન્ડ કરાયુ હતું. આ પછી આ NGOએ ગૃહ મંત્રાલયમાં રિવિઝન પિટિશન દાખલ કરી હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે CPRને તેના વિદેશી ભંડોળ અંગે સ્પષ્ટતા અને દસ્તાવેજો આપવા માટે કહેવામાં આવ્યું છે. CPRનું FCRA લાઇસન્સ છેલ્લે 2016માં રિન્યુ કરાયું હતું અને 2021માં ફરી રિન્યૂ થવાનું હતું.