અમેરિકા ખાતેની વોલમાર્ટ ઇન્ક ટાટા ગ્રૂપના સુપર એપમાં 25 અબજ ડોલર સુધીના રોકાણની વિચારણા કરી રહી છે. વોલમાર્ટ હાલમાં આ અંગે ભારતના ટાટા ગ્રૂપ સાથે મંત્રણા કરી રહી છે. એમ સૂત્રોને ટાંકીને એક વર્તમાનપત્રના અહેવાલમાં જણાવાયું હતું.
બંને કંપનીઓ વચ્ચેની મંત્રણા મુજબ ટાટા અને વોલમાર્ટના સંયુક્ત સાહસ મારફત સુપર એપ લોન્ચ કરવામાં આવશે. ટાટાના ઇ-કોમર્સ બિઝનેસ તથા વોલમાર્ટના ઇ-કોમર્સ યુનિટ ફ્લિપકાર્ટનો ઉપયોગ કરીને સુપર એપ લોન્ચ કરવાની વિચારણા છે.વોલમાર્ટે આ સૂચિત ડીલના બેન્કર તરીકે ગોલ્ડમેન સાક્સની નિમણુક કરી હોવાનું માનવામાં આવે છે. જોકે આ અહેવાલ અંગે ટાટા ગ્રૂપ, વોલમાર્ટ કે ગોલ્ડમેને કોઇ ટિપ્પણી કરી ન હતી.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે તેના ડિજિટલ બિઝનેસ જિયો પ્લેટફોર્મમાં હિસ્સાના વેચાણ મારફત ફેસબુક, આલ્ફાબેટ, કેકેઆર એન્ડ કંપની અને સિલ્વર લેક સહિતના વૈશ્વિક રોકાણકારો પાસેથી આશરે 20 અબજ ડોલર એકત્ર કર્યા બાદ આ અહેવાલ આવ્યા છે.
બ્લૂમબર્ગના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે ટાટા ગ્રૂપ તેના નવા ડિજિટલ પ્લેટફોર્મના હિસ્સાના અંગે સંભવિત રોકાણકારો સાથે મંત્રણા કરી રહ્યું છે.
મીડિયા અહેવાલ અનુસાર સૂચિત સુપર એપમાં મોટો હિસ્સો ખરીદવા માટે વોલમાર્ટ 20થી 25 અબજ ડોલરનું રોકાણ કરી શકે છે. ટાટા ગ્રૂપ ડિસેમ્બર કે જાન્યુઆરીમાં આ સુપર એપ લોન્ચ કરે તેવી શક્યતા છે. તેનાથી ટાટા ગ્રૂપના કન્ઝ્યુમર બિઝનેસને એક પ્લેટફોર્મ પર લાવીને વિવિધ પ્રોડક્ટ્સ ઓફર કરવામાં આવશે. ટાટાના કન્ઝ્યુમર બિઝનેસમાં વોચ એન્ડ જ્વેલરી બ્રાન્ડ ટાઇટન તથા ફેશનલ રિટેલ ચેઇન ટ્રેન્ટનો સમાવેશ થાય છે.અગાઉ વોલમાર્ટે ફ્લિપકાર્ટનો 66 ટકા હિસ્સો ખરીદવા માટે 16 અબજ ડોલરનું રોકાણ કર્યું હતું.