ટાટા ગ્રુપ ટૂંકસમયમાં આઈફોનનું ઉત્પાદન કરનારું પ્રથમ ભારતીય ગ્રુપ બની જશે. ટાટા હવે તાઈવાની કોન્ટ્રાક્ટ ઉત્પાદક કંપની વિસ્ટ્રોનનો બેગ્લોર ખાતેનો પ્લાન્ટ ખરીદવાની મંત્રણા કરી રહ્યું છે. વિસ્ટ્રોન સાથે આગામી 31 માર્ચ સુધીમા આ સોદો પાર પડી જવાની શક્યતા છે. તેનાથી પહેલી એપ્રિલથી શરુ થતા નવા નાણાકીય વર્ષથી ટાટા ગ્રુપના નેતૃત્વમાં આઈફોનનું ઉત્પાદન શરૂ થાય.
સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ બન્ને પક્ષોએ ભાગીદારી બાબતે ચર્ચાઓ થઈ હતી. પરંતુ હવે એ નક્કી થઈ ગયુ છે કે ટાટા ગ્રુપ એક સંયુક્ત સાહસમાં બહુમતી હિસ્સો લેશે. ટાટા ગ્રુપ વિસ્ટ્રોનની મદદથી પ્લાન્ટની મુખ્ય ઉત્પાદનની કામગીરીની દેખરેખ રાખવા તૈયાર છે.
વિસ્ટ્રોનની 2.2 મિલિયન ચોરસ ફૂટ ફેક્ટરી બેંગલોરથી માત્ર 30 માઈલ (50 કિલોમીટર) પૂર્વમાં સ્થિત છે. જો એક્વિઝિશન પાર પડશે, તો ટાટા તેની તમામ આઠ આઈફોન લાઈનો, તેમજ પ્લાન્ટના 10,000 કામદારો સાથે આ પ્લાન્ટ હસ્તગત કરશે. વિસ્ટ્રોન ભારતમાં આઇફોન માટે સર્વિસ પાર્ટનર તરીકે ચાલુ રહેશે. ભારતમાં તાઇવાનની ત્રણ કંપનીઓ આઇફોનનું કોન્ટ્રાક્ટ ઉત્પાદન કરે છે. તેમાં ફોક્સકોન અને પેગાટ્રોન કોર્પનો પણ સમાવેશ થાય છે.