બ્રિટનની સૌથી મોટી સ્ટીલ ઉત્પાદક ટાટા સ્ટીલ કંપનીને £500 મીલીયનના સરકારી બેલઆઉટથી સુરક્ષિત કરાય તેવી આશા વધી રહી છે. કંપની બે મહિના કરતા વધુ સમયથી બિઝનેસને ટેકો આપવા અંગે અધિકારીઓ સાથે વાતચીત કરી રહી છે.
ફાઇનાન્સીયલ ટાઇમ્સના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે યુકેમાં ટાટા સ્ટીલના 8,000 કર્મચારીઓને સુરક્ષિત રાખવા આ ડીલ આગામી કેટલાક દિવસોમાં થઈ શકે છે. વિશાળ પોર્ટ ટાલ્બોટ સ્ટીલ યુનિટ ખાતે મુખ્યત્વે સપોર્ટ ભૂમિકામાં કામ કરતા આશરે 2,500 કર્મચારીઓ હાલમાં ફર્લો પર છે.
અર્થશાસ્ત્ર માટે નિર્ણાયક ગણાતા ઉદ્યોગોને બચાવવા માટે સરકારની “પ્રોજેક્ટ બિર્ચ” યોજના દ્વારા ટાટા સ્ટીલને સમર્થન આપવા પ્રથમ બેલઆઉટની ચર્ચા કરવામાં આવે તેવું સમજાય છે.
ટાટા સ્ટીલના નબળા ક્રેડિટ રેટિંગનો અર્થ છે કે તે બેંક ઑફ ઇંગ્લેંડ સમર્થિત કોવિડ કોર્પોરેટ ફાઇનાન્સિંગ સુવિધાને એક્સેસ કરવામાં અસમર્થ રહ્યું છે, જ્યારે અન્ય રાજ્ય સહાય પેકેજો વ્યવસાય દ્વારા જરૂરી રકમ માટે ખૂબ ઓછા હતા.