India reduced export duty on steel iron ore
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ટાટા સ્ટીલ તેના નેધરલેન્ડ બિઝનેસનું વેચાણ કરવા માટે સ્વિડનની સ્ટીલ કંપની SSAB AB સાથે મંત્રણા કરી રહી છે. આ બિઝનેસના વેચાણ માટેની મૂલ્યાંકન પ્રક્રિયા ડિસેમ્બરના અંત સુધીમાં પૂરી થવાની કંપનીને ધારણા છે.

કંપનીએ મંગળવારે જણાવ્યું હતું કે મૂલ્યાંકન કામગીરી પૂરી થયા બાદ કંપની કોમર્શિયલ બાબતોને અંતિમ ઓપ આપશે અને દસ્તાવેજની મંત્રણા ચાલુ કરશે. જો યોજના મુજબ બધુ પાર પડશે તો ડિસેમ્બરમાં સમજૂતી થશે.

આ ઉપરાંત ટાટા સ્ટીલ નેધરલેન્ડ અને ટાટા સ્ટીલ યુકે બિઝનેસને અલગ કરવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે. નેધરલેન્ડ અને બ્રિટનના બિઝનેસ માટે ભવિષ્યમાં અલગ વ્યૂહરચનાને કારણે બંનેને અલગ કરવામાં આવશે.

સીઇઓ અને મેનેજિંગ ડિરેક્ટર ટીવી નરેન્દ્રને જણાવ્યું હતું કે નેધરલેન્ડ બિઝનેસના વેચાણ બાદ બ્રિટન ખાતેના બિઝનેસને સ્વનિર્ભર બનાવવાનો પ્રયાસ કરશે અને ભારતની માલિક કંપનીની મદદ બંધ થશે.

યુરોપિયન બિઝનેસના પુનર્ગઠન બાદ કંપની ખર્ચમાં ઘટાડો કરવા અને કાર્યક્ષમતા હાંસલ કરવાના માર્ગની વિચારણા કરશે. કંપની સપોર્ટ માટે બ્રિટનની સરકાર સાથે પણ મંત્રણા કરી રહી છે. બ્રિટનમાં લાંબા ગાળાના સાતત્યપૂર્ણ બિઝનેસનું સર્જન કરવા સરકારના સપોર્ટની જરૂર છે.