ભારતની સૌથી મોટી સ્ટીલ કંપની ટાટા સ્ટીલ ટૂંક સમયમાં જ પોતાનો રશિયા સાથેનો બિઝનેસ બંધ કરશે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે અનેક વૈશ્વિક કંપનીએ રશિયામાં પોતાનો બિઝનેસ અટકાવ્યો છે અને ટાટા સ્ટીલ આ કડીમાં જોડાનારી નવી ગ્લોબલ કંપની છે. ગયા સપ્તાહે દેશની બીજા નંબરની સૌથી મોટી સોફ્ટવેર કંપની ઈન્ફોસિસે જ રશિયામાંથી બહાર આવવાની જાહેરાત કરી હતી.
ટાટા સ્ટીલે પોતાના એક નિવેદન દ્વારા સ્પષ્ટતા કરી હતી કે, રશિયામાં કંપનીની કોઈ ફેક્ટરી નથી અને ત્યાં કોઈ ઓપરેશનલ કામ પણ નથી ચાલતું. કંપનીના કોઈ કર્મચારી પણ રશિયામાં નથી. રશિયામાં બિઝનેસ બંધ કરવાનો નિર્ણય ખૂબ જ સમજી-વિચારીને લેવામાં આવ્યો છે.
ટાટા સ્ટીલ પોતાની ફેક્ટરી ચલાવવા અને સ્ટીલ બનાવવા માટે રશિયાથી કોલસાની આયાત કરે છે. કંપનીના સ્ટીલના કારખાનાઓ ભારત ઉપરાંત બ્રિટન અને નેધરલેન્ડમાં પણ છે. કંપનીના કહેવા પ્રમાણે આ કારખાનાઓને પુરવઠો પૂરો પાડવા માટે વૈકલ્પિક માર્કેટમાંથી કાચા માલનો પ્રબંધ કરવામાં આવી રહ્યો છે.