રતન ટાટાના સાવકા ભાઈ નોએલ ટાટાને ટાટા સ્ટીલના વાઇસ-ચેરમેન બનાવવામાં આવ્યા છે. નોએલ ટાટાને 109 બિલિયન ડોલરના ટાટા ગ્રૂપની 154 વર્ષ જૂની આ કંપનીમાં આવી પ્રથમ ભૂમિકા મળી છે. આ ગતિવિધિ 65 વર્ષીય નોએલ ટાટાનું ટાટા ગ્રૂપમાં વધતું જતું મહત્ત્વ દર્શાવે છે. તેઓ ટાટા ટ્રસ્ટના ટ્રસ્ટી પણ છે, જે ટાટા સન્સમાં આશરે 65 ટકા હિસ્સો ધરાવે છે. ટાટા સન્સ આ ગ્રૂપની હોલ્ડિંગ કંપની છે.
શેરબજારને આપેલી નિયમનકારી માહિતીમાં ટાટા સ્ટીલે જણાવ્યું હતું કે નોમિનેશન એન્ડ રેમ્યુનરેશન કમિટીની ભલામણોને આધારે બોર્ડ ઓફ ડિરેક્ટર્સે સોમવારે યોજાયેલી તેની બેઠકમાં 28 માર્ચની અસરથી એડિશનલ ડિરેક્ટર તરીકે નોએલ નવલ ટાટાની નિમણુકને સર્વસંમતીથી મંજૂરી આપી છે. વધુમાં બોર્ડે તેમને વાઇસ ચેરમેન તરીકે નિયુક્ત કર્યા છે.
ટાટા સ્ટીલ આ ગ્રૂપની એવી પ્રથમ કંપની છે, કે જેમાં નોએલ અને ટાટા સન્સના ચેરમેન ચંદ્રશેખરન બંને સામેલ છે. તાજેતરમાં ટાટા સન્સના ચેરમેન તરીકે ચંદ્રશેખરનની ફરી પાંચ વર્ષ માટે નિમણુક કરવામાં આવી હતી. આ ગતિવિધિ દર્શાવે છે કે ટાટા ગ્રૂપનું સંચાલન પ્રોફેશનલ્સ કશે, પરંતુ પરિવારના સભ્ય ટાટા ગ્રૂપના કંપનીઓના બોર્ડમાં ટ્રસ્ટનું હિતનું પ્રતિનિધિત્વ કરશે.
ટાટા સ્ટીલની સ્થાપના એશિયાની પ્રથમ ઇન્ટિગ્રેડેટ પ્રાઇવેટ સ્ટીલ કંપની તરીકે 1907માં થઈ હતી. તે આવકના સંદર્ભમાં 21 બિલિયન ડોલરની આવક સાથે ગ્રૂપની ત્રીજા ક્રમની સૌથી મોટી કંપની છે. ટીસીએસની આવક 22 બિલિયન ડોલર અને ટાટા મોટર્સની આવક 34 બિલિયન ડોલર છે.