ટાટા સન્સ ભારત સરકારની માલિકીની એર ઇન્ડિયા માટે બિડ કરવા સિંગાપોર એરલાઇન્સ સાથે મંત્રણા કરી રહી છે. ટાટા સન્સ અને સિંગાપોર એરલાઇન્સ હાલમાં ભારતમાં વિસ્તારા નામની ફુલ સર્વિસિસ એરલાઇન ઓપરેટ કરે છે. એર ઇન્ડિયા માટે વિસ્તારા મારફત બિડ કરવાની ટાટા સન્સની યોજના છે.
આ ગતિવિધિથી માહિતગાર અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારતના 113 બિલિયન ડોલરના ટાટા ગ્રુપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સે એર ઇન્ડિયા માટે બિડ કરવાનો સૈદ્ધાંતિક નિર્ણય કર્યો છે. આ બિડ માટે ભાગીદાર બનવા સિંગાપોર એરલાઇન્સ સંમતી આપે તેવી શક્યતા છે. સિંગાપોર એરલાઇન્સ ભાગીદાર બનવા ઇનકાર કરશે તો ટાટા ગ્રુપ એકલા હાથે પણ બિડ કરી શકે છે.
સરકાર ઇચ્છે છે કે ટાટા ગ્રુપ એર ઇન્ડિયાને હસ્તગત કરે. તેથી સરકારે ટાટા ગ્રુપને શક્ય તમામ સપોર્ટ કરવાનું પણ વચન આપ્યું છે. એર ઇન્ડિયા ખરીદવામાં સફળતા મળશે તો ટાટા ગ્રુપ તેના સમગ્ર એરલાઇન્સ બિઝનેસને એક કંપની હેઠળ લાવવા માગે છે. એર ઇન્ડિયા ફૂલ સર્વિસિસ એરલાઇન છે, તેથી તેને વિસ્તારા હેઠળ લાવવાનું વધુ યોગ્ય છે. ગ્રુપના એક ડાયરેક્ટરે જણાવ્યું હતું કે આ ભાવિ યોજનામાં અમારા ભાગીદાર સામેલ થાય તેવી અમને આશા છે.