ભારતના સૌથી મોટા ઔદ્યોગિક ગ્રૂપ ટાટા ગ્રૂપે ઇ-ફાર્મસી ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે. ગ્રૂપ ભારતની ઇ-ફાર્મસી રિટેલર 1MGનો બહુમતી હિસ્સો 230 મિલિયન ડોલરમાં ખરીદશે. ટાટા ગ્રૂપ અગાઉ ફાર્મા મેન્યુફેક્ચરિંગ બિઝનેસ ધરાવતું હતું, પરંતુ પછીથી મેરિન્ડ અને ટાટા ફાર્માનું વોખાર્ટને વેચાણ કર્યું હતું.
જોકે કોરોના મહામારીને પગલે 106 બિલિયન ડોલરના આ ગ્રૂપને ફાર્મા બિઝનેસમાં ફરી રસ પડ્યો છે. ટાટા ડિજિટલ મારફત ટાટા ગ્રૂપ આશરે 230 મિલિયન ડોલરમાં 1MGનો આશરે 51 ટકા હિસ્સો ખરીદશે. આ ડીલના આધારે 1MGનું મૂલ્ય 450 મિલિયન ડોલર થાય છે. ટાટા ડિજિટલે કન્વર્ટિબલ ડિબેન્ચર ઇન્સ્ટ્રુમેન્ટ મારફત 1MGમાં આશરે 14 મિલિયન ડોલરનું રોકાણ કરેલું છે. આ ઇન્સ્ટ્રુમેન્ટને ઇક્વિટી શેરમાં તબદિલ કરાશે. 1MGના સહ-સ્થાપક અને સીઇઓ પ્રશાંત ટંડ કંપનીમાં તેમનો હોદ્દો જાળવી રાખશે. ઓનલાઇન મેડિકલ સ્ટોર ઉપરાંત 1MG ટેલિકન્સલ્ટેશન ઓફર કરે છે અને તેની પાસે ત્રણ ડાયગ્નોસ્ટિક લેબ છે.
સુપર એપ માટે ઈ-કોમર્સ સેગમેન્ટમાં બિગ બાસ્કેટ અને ફિટનેસ સેગમેન્ટમાં ક્યોરફિટના અધિગ્રહણ બાદ હવે ઈ-ફાર્મસી સેગમેન્ટમાં 1MGના અધિગ્રહણની જાહેરાત કરવામાં આવી છે. 1MG ઈ-ફાર્મસી, ઈ-ડાયગ્નોસ્ટિક અને હેલ્થકેર સેક્ટરમાં ક્રિટિકલ સર્વિસ ઓફર કરે છે. રિલાયન્સની રિટેલ કંપનીએ નેટમેડ્સમાં 60 ટકા હિસ્સેદારી ખરીદી છે, જ્યારે એમેઝોન ઇન્ડિયા અને ફ્લિપકાર્ટે પણ આ બિઝનેસમાં એન્ટ્રી કરી છે. ફાર્મઇઝી પણ મેડિલાઇફ સાથે મર્જ થઇ રહી છે.