(istockphoto.com)

ટાટા મોટર્સે ફોર્ડ ઇન્ડિયાના તામિલનાડુ અને ગુજરાતના પ્લાન્ટની ખરીદી કરવા મંત્રણા ચાલુ કરી છે, એમ સૂત્રોને ટાંકીને મીડિયા અહેવાલમાં જણાવાયું હતું. જો આ સોદો સફળતાપૂર્વક પાર પડશે તો આ અમેરિકાની કંપની પાસેથી તેની આ બીજી મોટી ખરીદી હશે. અગાઉ 2008માં ફોર્ડ પાસેથી જ 2.3 બિલિયન ડોલરમાં જેગુઆર લેન્ડ રોવર ખરીરી હતી.

ટાટા મોટર્સ પોતાના વ્હિકલ મેન્યુફેક્ચરિંગમાં એક મોટું પરિવર્તન કરવા જઈ રહી છે અને ઈકો ફ્રેન્ડલી કાર્સનું ઉત્પાદન કરવા જઈ રહી છે તેમાં જો ફોર્ડના ગુજરાત અને તામિલનાડુ પ્લાન્ટ ભળી જશે તો દેશની ઓટો ઇન્ડસ્ટ્રીમાં ટાટા મોટર્સની પ્રોડક્શન કેપેસીટીમાં મોટો વધારો થશે.

ટાટા મોટર્સના દેશમાં અત્યારે ત્રણ પેસેન્જર વેહિકલ પ્રોડક્શન યુનિટ છે જેમાંથી એક ફિયાટ ક્રાઈસલર સાથે જોઇન્ટ વેન્ચરમાં છે. ફોર્ડ ઇન્ડિયા સાથેની ડીલ, જે હાલ પ્રાથમિક સ્તરે છે, ટાટા મોટર્સ દ્વારા પોતાના ડોમેસ્ટિક વ્હિકલ બિઝનેસને અલગ કર્યા બાદ, ટાટા મોટર્સના આ બિઝનેસ યુનિટની સ્ટેન્ડ અલોન વેલ્યુ લગભગ રુ. 9420 કરોડ છે. આ સોદાથી ફોર્ડને પણ ફાયદો થશે જે ભારતમાં તેના યુનિટના નુકસાનને અટકાવી શકશે અને તેના દ્વારા ઇલેક્ટ્રિક અને ઓટોમેટેડ વાહનોમાં રોકાણ વધારી શકશે, જે મોબિલિટીનું ભવિષ્ય છે. તેમાં જ્યારે ટાટા મોટર્સના ચેરમેન એન. ચંદ્રશેખર અને એક્ઝેક્યુટીવ ડિરેક્ટર ગિરિશ વાઘ તામિલનાડુના ઉચ્ચ સરકારી અધિકારીઓ અને પદાધિકારીઓને મળ્યા બાદ ટાટા મોટર્સ ફોર્ડના લોકલ યુનિટ ખરીદશે તેવી વાતે વેગ પકડ્યો હતો.

તામિલનાડુમાં ટાટા મોટર્સની કોઈ પ્રોડક્શન ફેસિલિટી નથી જ્યારે ગુજરાતમાં તેનો પ્લાન્ટ છે જે ફોર્ડના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની બાજુમાં જ આવ્યો છે. તો બીજી બાજુ ફોર્ડ દ્વારા પોતાના પ્રોડક્શન યુનિટ્સ બંધ કરવાની જાહેરાત બાદ તામિલનાડુ સરકાર પણ તેના નવા ખરીદદારને શોધવામાં વધારે રસ ધરાવે છે જેથી કરીને રાજ્યમાં નોકરી કરતાં લોકોને બેરોજગાર થતાં અટકાવી શકાય. છેલ્લા 10 વર્ષમાં ભારતના તેના પ્રોડક્શન યુનિટને લઈને અંદાજે 2 બિલિયન ડોલરના નુકસાન અને ભવિષ્યમાં પણ આગળ નુકસાન કવર કરવાનો કોઈ સ્પષ્ટ રસ્તો ન મળતાં ફોર્ડ કંપનીએ આ પ્લાન્ટ બંધ કરવાનું નક્કી કર્યું છે.

ફોર્ડ ઇન્ડિયાના પ્રવક્તાએ કહ્યું કે ‘અમે અમારા મેન્યુફેક્ચરિંગ ફેસિલિટિઝ માટે શક્ય તમામ વિકલ્પો પર વિચાર કરીશું. જોકે ચાલી રહેલી આ ચર્ચાઓ અંગે હાલ અમારે કંઈ જ કહેવું નથી.