
તાજેતરમાં એક એવા સમાચાર વહેતા થયા હતા, જે મુજબ ભારતની તાતા મોટર્સ યુકેની જગુઆર લેન્ડ રોવર (JLR)માંથી પોતાનો હિસ્સો વેચવા પ્રયાસો કરી રહી છે, પરંતુ તાતા મોટર્સે આ વાત ફગાવી છે અને તે JLRમાં તેનો માલિકી હિસ્સો યથાવત રહેશે.
હકિકતમાં તો બ્રિટિશ સરકાર સાથે તાતા ગ્રુપની કંપનીઓ જગુઆર લેન્ડ રોવર અને તાતા સ્ટીલની ચાલી રહેલી બેલઆઉટની ચર્ચા અટક્યા પછી એવા સમાચાર આવ્યા હતા કે હવે તાતા મોટર્સ JLRમાંથી પોતાનો હિસ્સો વેચવા અંગે વિચારી રહી છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, કેટલાક મીડિયામાં ખાતરી કર્યા વગરના નિરાધાર સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા છે.
કંપની આ સમાચાર નકારી કાઢે છે. જગુઆર લેન્ડ રોવર તાતા મોટર્સ અને તાતા જૂથનો મુખ્ય આધાર છે અને રહેશે. કંપનીના જણાવ્યા મુજબ JLRનો બિઝનેસ વધ્યો છે, કારણ કે, તે પોતાના ‘ડેસ્ટિનેશન ઝીરો એમિશન’ને સમર્થન આપવા માટે ઇલેક્ટ્રિફાઇડ, ઓટોનોમસ અને કનેક્ટેડ ટેક્નોલોજીસ અપનાવે છે.
નિવેદનમાં વધુ જણાવ્યું છે કે, તાજેતરમાં અમે પ્રથમ ત્રિમાસિક પરિણામ જાહેર કર્યા છે અને સંકેત આપ્યો છે કે, કોવિડ-19 મહામારી હોવા છતાં કંપની પૂરતા પ્રમાણમાં રોકડ ધરાવે છે. અમને આશા છે કે બીજા ત્રિમાસિકથી કંપની કેશ પોઝિટિવ હશે.
