ભારતના 100 બિલિયન ડોલરના ટાટા ગ્રૂપમાં રતન ટાટા અને સાયરસ મિસ્ત્રી વચ્ચે ચાલી રહેલા કાનૂની જંગમાં સુપ્રીમ કોર્ટે શુક્રવારે ટાટા ગ્રૂપની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટે તેના ચુકાદામાં જણાવ્યું હતું કે સાયરસ મિસ્ત્રીને ટાટા સન્સના ચેરમેન પદેથી હટાવવાનો નિર્ણય યોગ્ય હતો. ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ બોબડે તેમજ બીજા બે જજની બેન્ચે નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ (NCLAT)ના નિર્ણય સામે ટાટા સન્સની તમામ અપીલને મંજૂરી આપી હતી અને સાયરસ મિસ્ત્રી તેમજ તેમના શાપુરજી પલોનજી ગ્રૂપ દ્વારા કરાયેલી અપીલને ફગાવી દીધી હતી.
આ પહેલા NCLATએ 18 ડિસેમ્બર 2019ના રોજ સાયરસ મિસ્ત્રીને ટાટા સન્સના ચેરમેન પદે યથાવત્ રાખવાનો આદેશ આપ્યો હતો. આ આદેશ સામે ટાટા સન્સે સુપ્રીમ કોર્ટના દરાવાજા ખખડાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે ટાટા ગ્રૂપની તરફેણમાં ચુકાદો આપતા પહેલા 10 જાન્યુઆરીએ NCLATના આદેશ પર સ્ટે મૂક્યો હતો. ટ્રિબ્યુનલે કહ્યું હતું કે 2016માં ટાટા સન્સની બોર્ડ બેઠકમાં થયેલી કાર્યવાહી તેમજ તેમાં સાયરસ મિસ્ત્રીને ચેરમેન પદેથી હટાવવાનો નિર્ણય યોગ્ય ન હતો.
સાયરસ મિસ્ત્રીએ 2012માં ટાટા સન્સના ચેરમેનની જવાબદારી સંભાળી હતી અને 2016માં કંપનીએ બહુમતિથી તેમને અધ્યક્ષ પદેથી હટાવી દીધા હતા. ટાટા ગ્રૂપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સમાં શાપૂરજી પાલોનજી 18.37 ટકા હિસ્સો ધરાવે છે.
રતન ટાટાએ ટ્વીટ કરીને સુપ્રીમ કોર્ટના નિર્ણયને આવકાર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ જીત કે હારની વાત નથી, મારા સ્વાભિમાન અને ટાટા ગ્રુપના નૈતિક આચરણ પર સતત થઇ રહેલા હમલા બાદ આ નિર્ણયે ટાટા સન્સના મૂલ્યો અને આચરણોને પ્રમાણિત કરવાનુ કામ કર્યુ છે. જે ગ્રુપ માટે મૂળ સિદ્ગાંત છે. આ નિર્ણયે આપણી ન્યાયપ્રણાલીમાં નિષ્પક્ષતા અને ન્યાયને મજબૂતી પ્રદાન કરી છે.