ટાટા ગ્રૂપની કંપનીઓનું કુલ માર્કેટકેપ પાકિસ્તાનના જીડીપી કરતાં પણ વધી ગયું છે. જૂથની કંપનીઓનું કુલ બજારમૂલ્ય આશરે $365 બિલિયન અથવા રૂ.30.3 લાખ કરોડના આંકને વટાવી ગયું હતું. આની સામે આઇએમએફના અંદાજ મુજબ પાકિસ્તાનના જીડીપીનું કુલ કદ આશરે 341 બિલિયન ડોલર છે.
ટાટા ગ્રૂપની સોફ્ટવેર કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (ટીસીએસ) એકલાનું કુલ માર્કેટ-કેપ $178 બિલિયન થયું હતું, જે પાકિસ્તાનના જીડીપીના અડધાથી વધુ છે.
જોકે વિશ્વ બેંકના અનુમાન મુજબ પાકિસ્તાનની જીડીપી આશરે $376 બિલિયન છે, જે ટાટા ગ્રૂપના સંયુક્ત બજાર મૂલ્ય કરતાં સહેજ વધારે છે. આ મહિનાની શરૂઆતમાં ટાટા જૂથનું કુલ બજારમૂલ્ય રૂ.30 લાખ કરોડને પાર કરી ગયું હતું. આ સીમાચિહ્ન હાંસલ કરનાર ભારતનું તે પ્રથમ ઔદ્યોગિક જૂથ છે. ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ, ટાટા મોટર્સ, ટાટા પાવર અને ઈન્ડિયન હોટેલ્સ જેવી કંપનીઓના શેરમાં વધતા રસને કારણે સંપત્તિમાં નોંધપાત્ર વધારો થયો છે.
2023માં એન ચંદ્રશેકરનની આગેવાની હેઠળના જૂથેના કુલ બજારમૂલ્યમાં આશરે રૂ.613,000 કરોડ વધારો થયો હતો.
દરમિયાન, પાકિસ્તાન છેલ્લા કેટલાક વર્ષોથી વધતા દેવું, ઘટતા ફોરેક્સ રિઝર્વ અને લાંબી રાજકીય અસ્થિરતા વચ્ચે આર્થિક મુશ્કેલીઓ સામે ઝઝૂમી રહ્યું છે. 2011 પછીથી પાકિસ્તાનનું વિદેશી દેવું લગભગ બમણું થઈ ગયું છે, જ્યારે તેના ડોમેસ્ટિક દેવામાં છ ગણો વધારો થયો છે. ગયા વર્ષે IMFએ પાકિસ્તાન માટે ખૂબ જ જરૂરી $3 બિલિયન બેલઆઉટને મંજૂરી આપી હતી