આાશરે 128 બિલિયન ડોલરનું ટર્નઓવર ધરાવતું ટાટા ગ્રુપ પોતાની લિસ્ટેડ કંપનીઓની સંખ્યા 29થી અડધી કરીને 15 કરવાની યોજના ઘડી છે. ગ્રૂપે હરીફાઇનો સામનો કરવા માટે આગામી મહિનાઓમાં મોટા કદની કંપનીઓમાં રોકાણ પર ધ્યાન કેન્દ્રીત કરવાની પણ યોજના બનાવી છે. ટાટા જૂથ હાલમાં 29 લિસ્ટેડ કંપનીઓ ધરાવે છે. આ ઉપરાંત તેની પાંચ અનલિસ્ટેડ કંપનીઓ પણ છે અને લગભગ 10 સેક્ટરમાં તેની અનેક નાની-મોટી પેટાકંપનીઓ છે.
ટાટા ગ્રૂપ 128 બિલિયન ડોલરની રેવન્યુ ધરાવે છે અને તેની માર્કેટ કેપિટલ 225 બિલિયન ડોલરને પાર કરી ગઈ છે. હવે તેણે ગ્રોથ અને સ્કેલ પર વધારે ધ્યાન આપવાનું નક્કી કર્યું છે જેથી મોટી કંપનીઓને કેશ ફ્લો વધારી શકાય. ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરન દેશના સૌથી જૂના ઔદ્યોગિક ગ્રુપને ભવિષ્ય માટે તૈયાર કરવા માંગે છે. નાની કંપનીઓમાં મેનેજમેન્ટ જે સમય લગાવે છે અને મહેનત કરે છે, તેની જગ્યાએ હવે મોટી કંપનીઓ પર બધો ભાર મુકવામાં આવશે.
ચંદ્રસેકરનની આગેવાની હેઠળ ટાટા જૂથ પોતાની તમામ ક્ષમતાને કામે લગાડવા માંગે છે. ગયા અઠવાડિયે જ આ પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી જેમાં ટાટા સ્ટીલમાં સાત પેટા કંપનીઓને ભેળવી દેવામાં આવી હતી. માર્ચ મહિનામાં ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સે ટાટા કોફીના તમામ બિઝનેસને પોતાનામાં ભેળવી નાખવાની યોજના જાહેર કરી હતી. ટાટા કન્ઝ્યુમર તેની લીગલ એન્ટીટીની સંખ્યા અગાઉ 45 હતી તેને ઘટાડીને બે ડઝન કરવા આયોજન ધરાવે છે.
2018માં ટાટા સન્સે એરોસ્પેસ અને ડિફેન્સ સેક્ટરના વિવિઝ બિઝેસને મર્જ કરીને એક સિંગલ એન્ટીટી ટાટા એરોસ્પેસ એન્ડ ડિફેન્સની રચના કરી હતી. 2017માં CMCને ટીસીએસમાં મર્જ કરી દેવાઈ હતી. ટાટા જૂથ પાસે ત્રણ એરલાઈનો છે – એર એશિયા, વિસ્તારા અને તાજેતરમાં હસ્તગત કરાયેલી એર ઈન્ડિયા. ટાટા 2024 સુધીમાં તેમને એર ઈન્ડિયા હેઠળ કોન્સોલિડેટ કરે તેવી શક્યતા છે. તેના રિટેલ બિઝનેસમાં પણ ટ્રેન્ટ, ઇન્ફિનિટી રિટેલ સામેલ છે. તેમાં ક્રોમા, ટાઈટન અને વોલ્ટાસનો સમાવેશ થાય છે. આ બિઝનેસ પણ સંગઠીત કરવામાં આવી શકે છે.