ટાટા ગ્રૂપ તેની ચાર એરલાઇન બ્રાન્ડ્સને એર ઇન્ડિયા હેઠળ મર્જ કરવાની યોજના પર વિચારણા કરી રહ્યું છે. આ રીતે એર ઇન્ડિયા ઉડ્ડયન ક્ષેત્રમાં ફરી સામ્રાજ્યને ઊભું કરી શકશે, એમ સૂત્રોને ટાકીને મીડિયા અહેવાલમાં જણાવાયું હતું. આ એરલાઇન્સમાં એર ઇન્ડિયા, વિસ્તારા, એર ઇન્ડિયા એક્સપ્રેસ અને એરએશિયા એક્સપ્રેસનો સમાવેશ થાય છે.
ભારતનું સૌથી મોટું ઔદ્યોગિક જૂથ વિસ્તારા બ્રાન્ડને રદ કરવાનું પણ વિચારી રહ્યું છે. વિસ્તારા બ્રાન્ડ ટાટા સન્સ અને સિંગાપોર એરલાઇન્સ વચ્ચે સંયુક્ત સાહસ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, સિંગાપોર એરલાઇન્સ સંયુક્ત એન્ટિટીમાં કેટલો હિસ્સો લેવો જોઈએ તેનું મૂલ્યાંકન કરી રહી છે.
આ અંગે ટાટા ગ્રુપ, એર ઈન્ડિયા અને વિસ્તારાના પ્રતિનિધિઓએ ટિપ્પણી કરી ન હતી. સિંગાપોર એરલાઇન્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે “એસઆઇએ અને ટાટા વચ્ચે ચર્ચાઓ ચાલી રહી છે” અને તેની પાસે ઑક્ટોબર 13 એક્સચેન્જ ફાઇલિંગ ઉપરાંત વધુ કહેવા લાયક બીજું કંઈ નથી. 13 ઓક્ટોબરે નિયમનકારી ફાઇલિંગમાં જણાવાયું હતું કે SIA અને ટાટા વચ્ચેની વર્તમાન ભાગીદારીને વધુ ગાઢ બનાવવા મંત્રણા ચાલુ છે. આ મંત્રણામાં કદાચ વિસ્તારા અને એર ઈન્ડિયાના સંભવિત વિલીનીકરણનો સમાવેશ થાય છે.
એર ઈન્ડિયા તેના નવા માલિક ટાટા હેઠળ કાયાલટની તૈયારી કરી રહી છે. આ ફુલ-સર્વિસ કેરિયર આશરે 300 નેરો-બોડી જેટનો ઓર્ડર આપવાનું વિચારી રહી છે, જે કોમર્શિયલ ઉડ્ડયન ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો ઓર્ડર હશે. એર ઈન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ કેમ્પબેલ વિલ્સને ગયા મહિને જણાવ્યું હતું કે એરલાઈન તેના 113 એરક્રાફ્ટના કાફલામાં પાંચ વર્ષમાં ત્રણ ગણો વધારો કરશે, જેમાં નેરો અને વાઈડ બોડી બંને એરક્રાફ્ટમાં નોંધપાત્ર વધારો થશે.
એર ઈન્ડિયા ફંડિંગ રાઉન્ડમાં ઓછામાં ઓછા $1 બિલિયન એકત્ર કરવા માટે પણ ચર્ચા કરી રહી છે. તેમાં એરલાઇનું મૂલ્ય લગભગ $5 બિલિયન આંકવામાં આવી શકે છે. એરલાઈન ભાડાપટ્ટે ડિસેમ્બરથી 25 એરબસ SE અને પાંચ બોઈંગ એરક્રાફ્ટ ઉમેરવાનું આયોજન કરી રહી છે.ટાટાને ગયા વર્ષે ઓક્ટોબરમાં એર ઈન્ડિયાને $2.4 બિલિયનમાં ખરીદી હતી.