થમ્સ અપ, ગોલ્ડ સ્પોટ અને લિમ્કા જેવી જાણીતી સોફ્ટ ડ્રિન્ક બ્રાન્ડ્સ કોકા કોલાને વેચ્યાના આશરે ત્રણ દાયકા પછી રમેશ ચૌહાણ બિસ્લેરી ઇન્ટરનેશનલનું ₹6,000-7,000 કરોડમાં ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ (TCPL)ને વેચાણ કરશે.
ટાટા ગ્રુપ સાથેના સોદાના ભાગરૂપે કંપનીનું વર્તમાન મેનેજમેન્ટ બે વર્ષ સુધી ચાલુ રહેશે. 82 વર્ષના ચૌહાણનું આરોગ્ય પણ મજબૂત નથી અને કહે છે કે તેમની પાસે બિસ્લેરીને વિસ્તરણના આગામી સ્તર પર લઈ જવા માટે કોઈ અનુગામી નથી. ચૌહાણે કહ્યું કે દીકરી જયંતિ બિઝનેસમાં બહુ ઉત્સુક નથી. બિસ્લેરી ભારતની સૌથી મોટી પેકેજ્ડ વોટર કંપની છે.
રિલાયન્સ રિટેલ, નેસ્લે અને ડેનોન સહિતની કંપનીઓએ બિસ્લેરી ખરીદવાનો રસ હોવાનું માનવામાં આવે છે. ૨૦૨૩ના નાણાકીય વર્ષમાં બિસ્લેરીનું વાર્ષિક ટર્નઓવર 2500 કરોડ હોવાનો અંદાજ છે, જેમાં લગભગ 220 કરોડનો નફો થશે.
ટાટા ગ્રુપની પસંદગી અંગે રમેશ ચૌહાણે જણાવ્યું હતું કે, “મને ટાટા જૂથની સંસ્કૃતિ ગમે છે, જે પ્રામાણિકતા અને જીવનના મૂલ્યોનું સન્માન કરે છે. આ કારણે મેં તેને પસંદ કરી છે. જ્યારે અન્ય કંપનીઓ પણ આ બ્રાન્ડને ખરીદવા માટે ખૂબ જ આક્રમક હતા.”
ચૌહાણ કહે છે કે, તેમના માટે આ એક મુશ્કેલ નિર્ણય હતો. કારણ કે તેમની આ કંપનીને આગળ લઈ જવા માટે તેમનો કોઈ વારસદાર નથી. જો કે તેમની પુત્રી જયંતિ છે પરંતુ તે આ ધંધામાં કોઈ રૂચિ નથી. બિસ્લેરી કંપનીના વેચાણ અંગેની સ્પષ્ટતા આપતા કહ્યું છે કે ‘હું સ્પષ્ટ કરવા માંગુ છું કે આ નિર્ણય પૈસાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો નથી. હું ચિંતિત હતો કે આ કંપનીને યોગ્ય રીતે ચલાવવા એક બિઝનેસ ગ્રુપ શોધવું પડશે જે મારી જેમ તેની સંભાળ રાખી શકે. મેં આ વ્યવસાય ખૂબ જ મહેનત અને જુસ્સાથી બનાવ્યો છે અને એટલા જ જુસ્સા સાથે તેને લોકો દ્વારા ચલાવવામાં આવે છે.”