સુપ્રીમ કોર્ટમાં ટાટા ગ્રૂપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સમાં શાપૂરજી પાલોનજી( એસપી) ગ્રૂપના ૧૮.૩૭ ટકા હિસ્સાના વેલ્યુએશન અંગે બે જુદા જુદા અંદાજ રજૂ કરવામાં આવ્યા છે. અગાઉની એફિડેવિટમાં જણાવ્યા અનુસાર શાપૂરજી પાલોનજી (એસપી) જૂથ પાસે ટાટા સન્સના ૧૮.૩૭ ટકા શેર છે અને તેનું મૂલ્ય આશરે રૂા. 1.75 લાખ કરોડ છે. જોકે મંગળવારે ટાટા સન્સના વકીલે જણાવ્યું હતું કે આ હિસ્સાનું મૂલ્ય રૂા.૭૦,૦૦૦ કરોડથી રૂા. ૮૦,૦૦૦ કરોડ વચ્ચે છે.
આ અગાઉ એસપી જૂથે સુપ્રીમ કોર્ટમાં ટાટાથી અલગ થવાની યોજના રજૂ કરી હતી. એસપી જૂથે પોતાના દસ્તાવેજોમાં જણાવ્યું હતું કે ટાટાની હોલ્ડિંગ કંપની ટાટા સન્સના ૧૮.૩૭ ટકા શેરો છે અને તેનું મૂલ્ય ૧.૭૫ લાખ કરોડ રૂપિયા છે.
મુખ્ય ન્યાયમૂર્તિ એસ એ બોબડે તથા ન્યાયમૂર્તિ એ એસ બોપન્ના તથા ન્યાયમૂર્તિ વી રામસુબ્રમણ્યમની બનેલી ખંડપીઠ સમક્ષ ટાટા સન્સ વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ હરિશ સાલ્વેએ જણાવ્યું હતું કે અમારા મત મુજબ ટાટા સન્સમાં એસપી જૂથના શેરોનું મૂલ્ય ૭૦,૦૦૦ થી ૮૦,૦૦૦ કરોડ રૂપિયા થાય છે.
સાલવેએ વધુમાં જણાવ્યું હતું કે સાયરસ મિસ્ત્રીની એક્ઝિક્યૂટીવ ચેરમેન તરીકેની નિમણૂક લાઇફ ટાઇમ માટે ન હતી અને તેની મુદ્દત માર્ચ, ૨૦૧૭માં સમાપ્ત થવાની હતી. ઉલ્લેખનીય છે કે કેટલાક વિવાદોને પગલે ૨૪ ઓક્ટોબર, ૨૦૧૬ના રોજ મિસ્ત્રીને એક્ઝિક્યૂટીવ ચેરમેન પદેથી દૂર કરવામાં આવ્યા હતાં.
સાલવેએ નેશનલ કંપની લો એપ્લેટ ટ્રિબ્યુનલ(એનસીએલએટી)ના આદેશની ટીકા કરતા જણાવ્યું હતું કે આ આદેશમાં કંપનીના નાના શેરહોલ્ડરોના હિતોની અવગણના કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે એનસીએલએટીએ સાયરસ મિસ્ત્રીને ટાટા સન્સના ચેરમેન પદેથી દૂર કરવાના નિર્ણયને અયોગ્ય ગણાવ્યો હતો. એનસીએલએટીએ મિસ્ત્રીને ફરીથી ચેરમેન બનાવવાનો આદેશ આપ્યો હતો. એનસીએલએટીના આ આદેશને ટાટા સન્સે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.
