બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રૂપની વિશ્વની સૌથી ઇનોવેટિવ કંપનીઓની યાદીમાં ટાટા ગ્રૂપને 20મુ સ્થાન આપવામાં આવ્યું હતું. આ યાદીમાં ટાટા ગ્રૂપ ભારતની એકમાત્ર કંપની છે. સૌથી વધુ ઇનોવેટિવ હોય તેવી ટોચની 50 કંપનીઓની આ યાદીમાં આઇફોનનું ઉત્પાદન કરતી અમેરિકન કંપની એપલ પ્રથમ ક્રમે રહી છે. બીજા ક્રમે વિશ્વના બીજા સૌથી અમીર વ્યક્તિ ઈલોન મસ્કની ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાને સ્થાન આપવામાં આવ્યું છે. આ યાદીમાં ત્રીજા નંબર પર ઈ-કોમર્સ કંપની એમેઝોન છે. ગયા વર્ષની શરૂઆતમાં જાહેર કરાયેલી યાદીમાં ટેસ્લા ત્રીજા નંબરે હતી
આ યાદીમાં વિશ્વભરની કંપનીઓનું પ્રદર્શન, તેમની ક્ષમતા અને ઈનોવેશન સહિત અન્ય ઘણા પાસાની ચકાસણી કરાય છ અને તેના આધારે તેમને યાદીમાં સ્થાન આપવામાં આવે છે. ભારતના સૌથી મોટા ઔદ્યોગિક ગૃહોમાંના એક ટાટા ગ્રુપે આ તમામ માપદંડો પર સારો દેખાવ કરીને આ સ્થાન હાંસલ કર્યું છે.
ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટ ઇન્ક ચોથા નંબરે છે જ્યારે અબજોપતિ બિલ ગેટ્સની માઇક્રોસોફ્ટ પાંચમા નંબરે છે. અમેરિકન ફાર્મા કંપની મોડર્ના છઠ્ઠા, સાઉથ કોરિયાની સેમસંગ સાતમા, ચીની કંપની હુવેઇ આઠમા ક્રમે છે. BYD કંપનીને નવમા નંબરે અને સિમેન્સને દસમા નંબરે રાખવામાં આવી છે. તેમાં ફાર્મા કંપની ફાઈઝર, સ્પેસએક્સ, ફેસબુક (મેટા), નેસ્લે, વોલમાર્ટ, અલીબાબા અને અન્ય કંપનીઓને તેમાં સ્થાન આપવામાં આવ્યું છે.