ટાટા ગ્રૂપ અને શપુરજી પલોનજી ગ્રૂપ વચ્ચે 70 વર્ષ જૂનો સંબંધ પૂરો થવાની અણી પર છે. શાપૂરજી પલોનજી (SP) ગ્રુપે મંગળવારે કહ્યું કે ટાટા સન્સમાંથી બહાર નિકળવાનો સમય આવી ગયો છે. હાલમાં ટાટા ગ્રૂપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સમાં એસપી ગ્રૂપ 18.37 ટકા હિસ્સો ધરાવે છે.
ટાટા સન્સે સાઇરસ મિસ્ત્રી ગ્રુપને ટાટા સન્સના શેરથી ભંડોળ એકઠુ કરવાના પ્રયત્નને રોકવા માટે 5 સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અરજીના માધ્યમથી ટાટા ગ્રુપનો પ્રયત્ન એસપી ગ્રુપને પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે શેર ગીરવે મુકતા રોકવાનો છે. કોર્ટમાં આ અરજીને કારણે બંને ગ્રૂપ વચ્ચેનો સંબંધ પૂરો થવાની શક્યતા છે. અગાઉ ટાટા સન્સના બોર્ડમાં સાઇરસ મિસ્ત્રીને ફરજિયાત દૂર કરવામાં આવ્યા હતા અને તેનાથી બંને ગ્રૂપ વચ્ચે વિખવાદના બીજ રોપાયા હતા.
એસપી ગ્રૂપ હવે ટાટા સન્સમાં પોતાનો હિસ્સો વેચીને ટાટા ગ્રૂપથી અલગ થશે એમ સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું. . એસપી ગ્રૂપે એક નિવેદનમાં જણાવ્યું છે કે ટાટા સન્સમાંથી એસપી ગ્રૂપનું નીકળવું શેરહોલ્ડરોના હિતમાં છે. ગ્રૂપે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે ટાટા જૂથથી અલગ થવું જરૂરી છે કારણકે કાયદાકીય લડાઇથી ફક્ત આર્થિક નુકસાન થશે.