ભારતના ઔદ્યોગિક ગ્રુપ ટાટા ગ્રુપ લિક્વિડ ઓક્સિજનના સપ્લાય માટે 24 ક્રાયોજેનિક કન્ટેનર્સની આયાત કરશે અને દેશમાં ઓક્સિજનની અછત દૂર કરવામાં મદદરુપ બનશે.
ટાટા ગ્રુપે સોશિયલ મીડિયા પોસ્ટમાં બુધવારે જણાવ્યું હતું કે ટાટા ગ્રુપ લિક્વિડ ઓક્સિજનના પરિવહન માટે 24 ક્રાયોજેનિક કન્ટેનરો આયાત કરશે. દેશમાં ઓક્સિજનની અછત ઘટાડવામાં મદદરુપ બનશે. ઓક્સિજન સંકટને ઘટાડવા માટે ચાર્ટર્ડ ફ્લાઈટ દ્વારા ક્રાયોજેનિક કન્ટેનરોને આયાત કરાશે. ક્રાયોજેનિક કન્ટેનરને લિક્વિડ સિલિન્ડર પણ કહેવામાં આવે છે. આ ડબલ વોલ્ડ વેક્યુમ વેસેલ હોય છે, જેમાં એન્યુલર સ્પેસમાં મસ્ટીલેયર ઈન્સ્યુલેશન હોય છે. તેને લિક્વિફાઈડ ગેસના ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ માટે ખાસ ડિઝાઈન કરાય છે.
ભૂતકાળમાં પણ ટાટા ગ્રુપે કોરોના સામે લડવામાં મદદનો હાથ લંબાવ્યો છે. ગયા વર્ષે મહામારીની પહેલી લહેર દરમિયાન ટાટા ગ્રુપે વેન્ટિલેટર, વ્યક્તિગત સુરક્ષા ઉપકરણો (PPE) કિટ, માસ્ક, ગ્લોવ્સ અને તપાસ કિટની વ્યવસ્થા કરી હતી. કોરોના વાયરસની મહામારી સામે લડવા માટે ટાટા ગ્રુપે રૂ.1,500 કરોડનું દાન કરવાની જાહેરાત કરી હતી.