(istockphoto.com)

ભારતની સૌથી મોટી ઓનલાઇન ગ્રોસરી કંપની બિગબાસ્કેટ આશરે એક અબજ ડોલરમાં તેનો બહુમતી હિસ્સો ટાટા ગ્રૂપને વેચવાની મંત્રણા કરી રહી છે. ભારતના ઝડપથી વિકસી રહેલા ઇ-કોમર્સ માર્કેટમાં એમેઝોન અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેવા દિગ્ગજ હરીફોનો સામનો કરવા ટાટા ગ્રૂપ તેના તમામ કન્ઝ્યુમર બિઝનેસ માટે સુપર એપ લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યું છે ત્યારે બિગ બાસ્કેટ સાથેની તેની મંત્રણાનું વિશેષ મહત્ત્વ છે.

બેંગલોર સ્થિત બિગબાસ્કેટ હાલમાં વોલમાર્ટની માલિકીની ફ્લિપકાર્ટ અને એમેઝોનની ફ્રેશ સર્વિસિસની સ્પર્ધા કરે છે. ટાટા ગ્રૂપ અને બિગબાસ્કેટે આ મુદ્દે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. ચીનની જાણીતી કંપની અલી બાબા બિગબાસ્કેટમાં આશરે 26 ટકા હિસ્સો ધરાવે છે અને તે આ હિસ્સાનું વેચાણ કરે તેવી શક્યતા છે. મીડિયા અહેવાલ મુજબ ટાટા ગ્રૂપ અને બિગબાસ્કેટ વચ્ચે મંત્રણા અંતિમ તબક્કામાં છે, પરંતુ ટ્રાન્ઝેક્શન ન થાય તેવું પણ બની શકે છે.