સરકાર પાસેથી ખરીદ્યા બાદ એર ઇન્ડિયાને નવી ઉડાન પર લઈ જવા માટે ટાટા ગ્રુપે તૈયારીઓ શરૂ કરી છે. ટાટા ગ્રુપ જાન્યુઆરી 2022થી એની કામગીરી સંભાળશે. હવે ટાટા ગ્રુપ એર ઇન્ડિયાને નવુ રુપ આપવાની તૈયારી કરી રહ્યું છે.
માનવામાં આવે છે કે, ટાટા ગ્રુપે એર ઇન્ડિયાના સીઇઓ માટે નામ શોર્ટલિસ્ટ કરી દીધા છે અને એમાં અમેરિકાની એર ડેલ્ટા લાઇનના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ફ્રેડ રીડનું નામ સૌથી આગળ છે. એર ઇન્ડિયાનું નવુ રુપ આપવા માટે તૈયાર કરવામાં આવેલી 100 દિવસની બ્લૂપ્રિન્ટ મુજબ એર લાઇન્સના ઓન-ટાઇમ પર્ફોમેન્સમાં સુધારા સાથે પેસેન્જર્સ અને કોલ સેન્ટર્સ સંબંધિત ફરિયાદોનો ઉકેલ લાવવાનું સામેલ છે. જોકે એર ઇન્ડિયાની કાયાપલટની તૈયારીઓને લઇને ટાટા ગ્રુપે કોઇપણ નિવેદન આપવાથી ઇનકાર કર્યો છે.
કંપનીના જણાવ્યા મુજબ હાલમાં એર ઇન્ડિયાના શેર ખરીદીની પ્રક્રિયા ચાલી રહી છે. ટાટા ગ્રુપની કંપની Talace Pvt Ltdએ એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસની માલિકી અને ગ્રાઉન્ડ લેવલ કંપની AISATSમાં 50 ટકાની ભાગીદારી ખરીદી હતી. સરકાર પણ જાન્યુઆરીમાં એર ઇન્ડિયાને ટાટા ગ્રુપને સોંપવાની તૈયારી કરી રહી છે. એક રિપોર્ટ મુજબ એવિએશન સેક્ટરમાં પેસેન્જર્સની ફરિયાદોના મામલે એર ઇન્ડિયા ત્રીજા નંબરે છે.
ટાટા ગ્રુપ પાસે વિસ્ટારા અને એરએશિયા ઇન્ડિયા જેવી એરલાઇન્સમાં ભાગીદારી છે. એર ઇન્ડિયા માટે વિદેશી સીઇઓની નિમણૂક કરવામાં આવે તેવી શક્યતા છે, જેના પર એરલાઇન્સનું ભવિષ્ય ઊજ્જવળ બનાવવાની જવાબદારી રહેશે. આ પોસ્ટ માટે ફ્રેડ રીડનું નામ શોર્ટલિસ્ટ કરવામાં આવ્યું છે. અમેરિકાના કેલિફોર્નિયાના રહેવાસી રીડ સિવિલ એવિએશન ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ છે. તેઓ ડેલ્ટા એરલાઇનના સીઇઓ રહી ચૂક્યા છે. હાલમાં તેઓ સર્ફ એર મોબિલિટિના પ્રસિડન્ટ છે.