ગુજરાતમાં વેદાંત અને તાઇવાની ફોક્સકોને 19.5 બિલિયન ડોલરનો સેમિકન્ડકટર પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કર્યા બાદ 2.66 અબજ ડોલરના બીજા મોટા પ્રોજેક્ટની જાહેરાત થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્યમાં ટાટા અને એરબસ મિલિટરી માટે C-295 નામના પરિવહન વિમાનોનું નિર્માણ કરવા માટે પ્રોજેક્ટની સ્થાપના કરશે. આ પ્રોજેક્ટનો ખર્ચ ₹22,000 કરોડ અથવા 2.66 બિલિયન ડોલરનો છે.
સંરક્ષણ સચિવે ડૉ. અજય કુમારે જણાવ્યું હતું કે “આ તેના પ્રકારનો પહેલો પ્રોજેક્ટ છે, જેમાં ભારતમાં એક ખાનગી કંપની મિલિટરી એરક્રાફ્ટનું ઉત્પાદન કરશે. પ્રોજેક્ટની ખર્ચ ₹21,935 કરોડ છે. આ વિમાનનો ઉપયોગ નાગરિક હેતુઓ માટે પણ થઈ શકે છે.”
યુરોપની અગ્રણી એવિયેશન કંપની એરબસ અને ટાટા ગ્રૂપની ડિફેન્સ કંપની ટાટા એડવાન્સ સિસ્ટમ્સ (TASL) ગુજરાતના વડોદરામાં ભારતીય એરફોર્સ (IAF) માટે C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનું ઉત્પાદન કરશે. સંરક્ષણ સચિવ અજય કુમારે ગુરુવારે જણાવ્યું હતું કે, પ્રથમ વખત સી-295 એરક્રાફ્ટનુ ઉત્પાદન યુરોપની બહાર થશે. આ પ્લાન્ટ IAFની જરૂરિયાતો અનુસાર વધારાના એરક્રાફ્ટનું ઉત્પાદન પણ કરશે અને ભવિષ્યમાં નિકાસ માટે પણ ઉત્પાદન થશે.
ગુજરાતમાં ટૂંકસમયમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરે વડોદરા ખાતે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરશે. નવા પ્રોજેક્ટથી નોકરીઓની હજારો તક ઊભી થશે.
સપ્ટેમ્બરમાં ગુજરાતે 19.5-બિલિયન-ડોલરના રોકાણના પ્રોજેક્ટ માટે મહારાષ્ટ્રને પાછળ રાખ્યું હતું. તે સમયે વેદાંત લિમિટેડ અને તાઈવાનના ફોક્સકોનના સંયુક્ત સાહસ દ્વારા ચિપ્સ (સેમિકન્ડક્ટર)નું ઉત્પાદન માટે પ્રોજેક્ટની જાહેરાત થઈ હતી.પ્લાન્ટ અમદાવાદ નજીક સ્થાપવામાં આવશે.
ટાટા-એરબસ પ્રોજેક્ટથી મોદીના “મેક-ઈન-ઈન્ડિયા” અભિયાનને મોટો વેગ મળવાની ધારણા છે. સરકાર આ પ્રોગ્રામ હેઠળ વિદેશી મિલિટરી ટેકનોલોજી અને ઇક્વિપમેન્ટ પરની નિર્ભરતામાં ઘટાડો કરવા માગે છે.કેન્દ્ર સરકારે ગયા મહિને એરબસ પાસેથી 56 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ખરીદવાની મંજૂરી આપી હતી. સંરક્ષણ સચિવે ગુરુવારે જણાવ્યું હતું કે, “આ કોન્ટ્રેક્ટના ભાગ રૂપે 16 એરક્રાફ્ટ ફ્લાય-અવે સ્થિતિમાં પહોંચાડવામાં આવશે અને 40 વિમાનોનું ઉત્પાદન ભારતમાં થશે.” તેમણે કહ્યું કે, આ પ્રકારનો આ પહેલો પ્રોજેક્ટ છે જેમાં ભારતમાં ખાનગી કંપની દ્વારા લશ્કરી વિમાનનું નિર્માણ કરવામાં આવશે.
એક સત્તાવાર નિવેદન અનુસાર, પ્રથમ 16 ફ્લાય-અવે અથવા રેડી-ટુ-ઓપરેટ એરક્રાફ્ટ સપ્ટેમ્બર 2023 અને ઓગસ્ટ 2025 વચ્ચે મળશે. પ્રથમ મેઇડ ઇન ગુજરાત એરક્રાફ્ટ સપ્ટેમ્બર 2026માં તૈયાર થશે.