79 વર્ષના તરસેમ સિંઘે હોર્નચર્ચના એલમ પાર્કમાં કાઉડ્રે વે ખાતે આવેલા પોતાના જ ઘરમાં પત્ની માયા દેવીની બેટ મારી હત્યા કરી હોવાનો ગુનો કબૂલ કર્યા બાદ સોમવાર તા. 31 જુલાઈના રોજ તેને સ્નેર્સબ્રૂક ક્રાઉન કોર્ટમાં હાજર કરાયો હતો. ગત 2 મેના રોજ, તરસેમ સિંઘે રોમફોર્ડ પોલીસ સ્ટેશનમાં જઇને પત્નીની હત્યા કરી હોવાની કબુલાત કરી હતી.
અધિકારીઓએ તુરંત જ ઘરે જઇ તપાસ કરતા માયા લિવિંગ રૂમના ફ્લોર પરથી બેહોશ હાલતમાં મળી આવી હતી. જેને ઘટનાસ્થળે મૃત જાહેર કરાઇ હતી. પોસ્ટમોર્ટમ તપાસમાં મૃત્યુનું કારણ માથામાં કરાયેલી ઇજા જવાબદાર હોવાનું જણાયું હતું. સ્થળ પરથી લાકડાના ગોળાકાર બેટ મળી આવ્યું હતું. કાર્પેટ અને નજીકની દિવાલો પર નોંધપાત્ર પ્રમાણમાં લોહીના ડાઘ જોવા મળ્યા હતા. બીજા દિવસે સિંઘ સામે ગુનો નોંધી રિમાન્ડ લેવાયા હતા.
તપાસનું નેતૃત્વ કરનાર ડિટેક્ટીવ ચીફ ઈન્સ્પેક્ટર માર્ક રોજર્સે કહ્યું હતું કે “આ એક દુ:ખદ કિસ્સો છે અને તેના કારણે દંપતીના ત્રણે બાળકોને સંપૂર્ણ રીતે વિચલિત થઇ ગયા હતા. સિંઘે આટલી હિંસક રીતે વર્તવાનું કારણ શું હતું તે ક્યારેય જણાવ્યું નથી.”
શુક્રવાર, 29 સપ્ટેમ્બરના રોજ સ્નેર્સબ્રૂક ક્રાઉન કોર્ટમાં તેને સજા સંભળાવવામાં આવશે.