સ્કોટલેન્ડ યાર્ડમાં ડિટેક્ટીવ તરીકે કામ કરતા તારિક અહેમદને હૃદયની ગંભીર સ્થિતિ હોવા છતાય ઘરેથી કામ કરવાની પરવાનગી આપવાનો ઇનકાર કરીને તેની સાથે ભેદભાવ કરી હેરાન કરનાર મેટ પોલીસની ટ્રિબ્યુનલમાં હાર થઇ છે.

પોલીસ ફોર્સમાં 22 વર્ષથી સેવા આપતા 57 વર્ષીય તારિક અહેમદે એમ્પલોયમેન્ટ ટ્રિબ્યુનલને જણાવ્યું હતું કે ‘’વરિષ્ઠ અધિકારીઓ જાણતા હતા કે તે ઇસ્કેમિક હાર્ટ ડિસીઝથી પીડાય છે અને બહુવિધ હાર્ટ એટેકનો અનુભવ છે. કથિત જાતિવાદના ભૂતકાળના અનુભવને કારણે મારી સ્થિતિ તણાવ અને ચિંતાને કારણે વણસી ગઈ હતી. જોકે વરિષ્ઠ અધિકારીઓએ કાયમી ધોરણે ઘરેથી કામ કરવાની વિનંતીને ફગાવી દીધી હતી અને મને પોલીસ ઑફિસમાં પાછા ફરવાની માગણી સાથે બૅજર કર્યો હતો.’’

તારિક ફેમિલી ડિસ્ક્લોઝર ઓફિસર તરીકે ડેસ્કની ભૂમિકામાં કામ કરતા હતા અને તેમના સ્વાસ્થ્યને કારણે તેનને પ્રતિબંધિત ફરજો પર મૂકવામાં આવ્યા હતા. તેઓ 2020થી ઘરેથી કામ કરતા હતા અને તેમના પુરોગામીએ સાત વર્ષ સુધી ઘરેથી કામ કર્યું હતું. તેમણે પોલીસને નિયમિતપણે ઘરેથી કામ કરવા માટે વાજબી ગોઠવણો માટે કહ્યું હતું.

પરંતુ અલિખિત નીતિ પર આધાર રાખીને, અને કોરોનાવાયરસ રોગચાળા પછી સ્ટાફને ઓફિસમાં પાછા આવવા પ્રોત્સાહિત કરવા અહેમદને તબીબી સલાહ સામે પાછા ફરવાનું દબાણ કરવામાં આવ્યું હતું.

લંડન એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલના જજ બેરી સ્મિથે તેમના ચુકાદામાં જણાવ્યું હતું કે પોલીસ દળ સમાનતા કાયદા હેઠળ તેની ફરજનું પાલન કરવામાં નિષ્ફળ ગયું હતું અને તબીબી સલાહ વિરુદ્ધ ઓફિસમાં પાછા ફરવાનું દબાણ કરીને હેરાન કર્યા હતા.

જજે તેમના દાવાને સમર્થન આપ્યું છે અને વળતર નક્કી કરવા માટેની સુનાવણી જુલાઈમાં સુનિશ્ચિત કરવામાં આવી હતી.

LEAVE A REPLY