જમ્મુ અને કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગમાં તાજેતરમાં ચિંતાજનક વધારો થયો છે. સોમવારની રાત્રે શોપિયાં જિલ્લામાં આતંકવાદી હુમલામાં ઉત્તર પ્રદેશના બે પરપ્રાંતિય મજૂરોના મોત થયા હતા. આ હુમલો આ જ જિલ્લામાં ટાર્ગેટ હુમલામાં કાશ્મીરી પંડિત માર્યા ગયાના દિવસો બાદ થયો છે.
જમ્મુ અને કાશ્મીરના અધિક પોલીસ મહાનિર્દેશક વિજય કુમારે કહ્યું હતું કે માર્યા ગયેલા બે મજૂરો રામ સાગર અને મોનીશ કુમાર હતા. તેઓ ઉત્તર પ્રદેશના કન્નૌજના રહેવાસી હતા. ગ્રેનેડ ફેંક્યાના થોડા કલાકોમાં હુમલાખોરની ધરપકડ કરવામાં આવી હતી. લશ્કર-એ-તૈયબાના ‘હાઇબ્રિડ આતંકવાદી’ ઇમરાન બશીર ગનીની પોલીસે ધરપકડ કરી હતી.
હુમલાના ડરને કારણે, લગભગ 6,000 કાશ્મીરી પંડિતો છેલ્લા પાંચ મહિનાથી ઓફિસમાં જતાં નથી. તેઓ વિરોધ કરી રહ્યા છે તથા સુરક્ષા અને તેમના જમ્મુમાં સ્થળાંતરની માંગણી કરી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ધરપકડ કરાયેલા આતંકવાદીએ હુમલાની કબૂલાત કરી હતી. આ પહેલો મામલો નથી જ્યારે ઉત્તર ભારતીયો અને કાશ્મીરી પંડિતોને નિશાન બનાવીને મારવામાં આવ્યા હોય. ત્રણ દિવસ પહેલા જ એક કાશ્મીરી પંડિતની હત્યા કરવામાં આવી હતી.
ઘાટીમાં સક્રિય આતંકવાદીઓ છેલ્લા કેટલાક મહિનાઓથી જમ્મુ-કાશ્મીરમાં અન્ય રાજ્યોમાંથી રહેતા લોકો પર સતત હુમલા કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશના બે મજૂરોની હત્યા બાદ તરત જ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો હતો અને હુમલાખોરોની શોધમાં ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. સુરક્ષા દળોને ગામમાંથી જ એક આતંકીને પકડવામાં સફળતા મળી હતી.