ગુજરાતમાં તારંગા હિલ-અંબાજી-આબુરોડ વચ્ચે નવી રેલ લાઈનના પ્રોજેક્ટને બુધવારે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મંજૂરી આપી હતી. અંદાજે ૧૧૬ કિમી નવી રેલ લાઈન રૂ.૨૭૯૮.૧૬ કરોડના ખર્ચે તૈયાર થશે. આ પ્રોજેક્ટ આગામી વર્ષ ૨૦૨૬-૨૭ સુધી પૂર્ણ થવાની સંભાવના છે.
આબુરોડ-અંબાજી-તારંગા હિલ નવી રેલ લાઈનના નિર્માણથી રાજસ્થાન અને ગુજરાત સહિત દેશભરમાંથી માઉન્ટ આબુ સ્થિત પ્રજાપતિ બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે આવતા સાધકોને વૈકલ્પિક રેલ માર્ગ ઉપલબ્ધ થશે. ઉપરાંત શક્તિપીઠ અંબાજી અને જૈનતીર્થ સ્થાનોનું પણ જોડાણ થશે. આ રેલ પ્રોજેક્ટ બનતાં ટ્રેનોની અવર-જવરથી પહાડોથી ઘેરાયેલા ધાર્મિક અને પર્યટક વિસ્તારોમાં નવી ઊર્જા આવશે.
તારંગાહિલ-અંબાજી-આબુરોડ નવી રેલ લાઈન પ્રોજેક્ટમાં ઉ.ગુ.ના મહેસાણા, બનાસકાંઠા તેમજ સાબરકાંઠા જિલ્લાઓમાં નાંખવામાં આવનાર ૮૨ કિમી રેલ લાઈન પર ૧૧ રેલવે સ્ટેશનનો સમાવેશ થશે. જ્યારે રાજસ્થાનમાં ૩૪.૬૫ કિમી લાંબી રેલવે લાઈન સિરોહી જિલ્લામાંથી પસાર થશે તેના માટે ૪ રેલવે સ્ટેશન પણ નિયત કરવામાં આવનાર છે. રાજસ્થાન સુધી રેલવે લાઈન નાંખવા માટે પર્વતોમાંથી ૫ ટનલનું નિર્માણ કરવામાં આવનાર છે.