લોકપ્રિય ટીવી સિરિયલ તારક મહેતા કા ઊલ્ટા ચશ્માને અલવિદા કહેનારા શૈલેષ લોધાએ કોર્ટમાં કેસ કર્યો છે. શોના નિર્માતા અસિત મોદીએ નાણાં નહીં ચૂકવ્યા હોવાના દાવા સાથે તેમણે નેશનલ કંપની લો ટ્રિબન્યુનલ સમક્ષ કેસ દાખલ કર્યો છે. શૈલેષ લોધાએ તારક મહેતા કા ઊલ્ટા… શોમાં લેખક તારક મહેતાની ભૂમિકા ભજવી હતી. દિશા વાકાણી ઉર્ફે દયા ભાભી બાદ તેમણે પણ શોને અલવિદા કહ્યું હતું. શોના પ્રોડ્યુસર દ્વારા બાકી નાણાં નહીં અપાયા હોવાના આક્ષેપો અગાઉ તેમણે કર્યા હતા. થોડા સમય અગાઉ પોલીસ ફરિયાદ કર્યા પછી તેમણે કેસ પણ દાખલ કર્યો છે, જેની સુનાવણી મે મહિનામાં હાથ ધરાશે.
શૈલેષ લોધાએ શરૂ કરેલી લડત મુદ્દે કોઈ ટિપ્પણી કરવા અસિત મોદીએ ઈનકાર કર્યો હતો. જોકે, શોના પ્રોજેક્ટ હેડ સોહિલ રામાણીએ જણાવ્યું હતું કે, આમાં કહેવા જેવું નવું કંઈ નથી. શૈલેષ લોધા પરિવારના સભ્ય જેવા હતા. તેઓ શો છોડીને ગયા ત્યારે તેમના નિર્ણયનું સન્માન કર્યું હતું. બાદમાં અનેક પ્રસંગે ઈમેઈલ અને ટેલિફોન પર તેમનો સંપર્ક કર્યો હતો. ઓફિસમાં રૂબરૂ આવીને બાકીના નાણાં લઈ જવા તથા જરૂરી દસ્તાવેજો પર સહી કરવા જણાવ્યું છે. તેમાં ખોટું કંઈ નથી.
શૈલેષ લોધા અલગ-અલગ જગ્યાએ ફરીને તથા જાહેરમાં આક્ષેપો કરીને મામલો ગૂંચવી રહ્યા છે. તેના બદલે નિયત પ્રક્રિયાનું પાલન કરે તો કોઈ સમસ્યા જ નથી. કંપની તરફથી ક્યારેય નાણાં ચૂકવવા ઈનકાર થયો નથી. તેમણે જરૂરી દસ્તાવેજો પર સહી કરીને નાણાં લેવાના છે. અસિત મોદી સાથે વિવાદના પગલે શૈલેષ લોધાએ છેડો ફાડ્યો હોવાનું કહેવાય છે. જો કે આ વિવાદ કયા કારણોસર છે તે અંગે ખાસ માહિતી બહાર આવી નથી.