યુવા અભિનેત્રી તાપસી પન્નુએ ખૂબ જ ઓછા સમયમાં બોલીવૂડમાં પોતાનું સ્થાન જમાવી દીધું છે. તેણે લગભગ દરેક પ્રકારની ફિલ્મોમાં કામ કર્યું છે. તાપસી તેની કારકિર્દીમાં સ્પોર્ટ્સ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. જેમાં રશ્મિ રોકેટ, સૂરમા, સાંઢ કી આંખ અને નવી ફિલ્મ મીઠ્ઠુનો સમાવેશ થાય છે. જોકે, તે હવે સ્પોર્ટ્સ વિષયક ફિલ્મોમાં કામ કરીને કંટાળી છે.
તેણે મીઠ્ઠુ ફિલ્મના શૂટિંગ દરમિયાન નક્કી કરી લીધું છે કે, તે હવે કોઈપણ પ્રકારની સ્પોર્ટ્સ ફિલ્મનો હિસ્સો નહિ બને.
આ અંગે તાપસીએ કહ્યું હતું કે, મીઠ્ઠુના શૂટિંગ દરમિયાન એક સમય એવો પણ આવ્યો જયારે હું ભૂલી ગઈ હતી કે હું એક્ટ્રેસ છું. એક પછી એક મેં ઘણી સ્પોર્ટ્સ ફિલ્મો કરી લીધી છે. આ પાછળનું એક કારણ એ પણ છે કે, એક્ટિંગ પછી સ્પોર્ટ્સ મારી બીજી પ્રાયોરિટી છે. હું બાળપણથી જ સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં સક્રિય રહી છું. મેં મારી લાઈફમાં બેડમિન્ટન, વોલીબોલ સહિતની અનેક ગેમ્સ રમી છે. તેના કારણે મારે સ્પોર્ટ્સ બેઝડ ફિલ્મ કરતી વેળાએ વધુ મહેનત નથી કરવી પડતી. આ કારણે જ મને લાગે છે કે, ફિલ્મમેકર્સ આવી ફિલ્મો માટે મને એપ્રોચ કરે છે પરંતુ હવે, મેં નક્કી કરી લીધું છે કે, હું હવે સ્પોર્ટ્સ સબ્જેક્ટ ધરાવતી ફિલ્મોનો હિસ્સો નહિ બનું.
તાપસી પન્નુ તેની કરિયરને એક નવી દિશા આપવાઈ તૈયારી કરી રહી છે. બીજી તરફ, ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ભૂતપૂર્વ કેપ્ટન મિતાલી રાજના 23 વર્ષની કારકિર્દી અને જીવન સંઘર્ષ પર આધારિત ફિલ્મ ‘મીઠ્ઠુ’ રિલીઝ થઈ રહી છે.