લદ્દાખ સરહદ પર આજે સવારે ટેન્શન વધ્યું હતું. કાલા ટૉપ હિલ્સ પર ચીન અને ભારતે સામસામે ટેન્કો ગોઠવી હતી. ચીન એક તરફ વાટાઘાટોની વાત કરે છે અને બીજી બાજુ સીમાડે સતત તનાવ સર્જે છે.30 ઑગષ્ટે પેગોંગ સરોવર નજીક સર્જાયેલી તંગદિલી પછી બંને પક્ષે વાટાઘાટો શરૂ કરી હતી પરંતુ ચીન વધુ લશ્કર અને શસ્ત્રો ગોઠવતાં ભારતીય લશ્કર સાવધ થઇ ગયું હતું અને વધુ સૈન્યબળ તથા શસ્ત્રબળ સરહદે મોકલવામાં આવ્યાં હતાં. કાલા ટૉપ હિલ્સ નજીક ચીની સૈન્ય પોતાનાં શસ્ત્રો સાથે દેખાયું હતું.
જો કે ભારતીય લશ્કરના સ્પેશિયલ દળોએ કાલા ટૉપ હિલ્સને કબજે કરી લીધો હતો. ભારતીય લશ્કર પહેલેતીજ ચુશુલ અને સ્પૈંગોર ત્સો વિસ્તારમાં પોતાની રણગાડીઓ (ટેંક) ગોઠવી ચૂક્યું હતું. જે સ્થળે ચીની સૈન્ય સાથે ભારતીય જવાનોની અથડામણ થઇ હતી એના દક્ષિણ છેડે ભારતીય સેનાએ સજ્જડ ઘેરાબંધી કરી લીધી હતી.ચીન કોઇ અટકચાળું કરે તો જડબાતોડ જવાબ આપવા ભારતીય લશ્કરે એ વિસ્તારમાં ટેંકો અને આર્મિલરી સજ્જ કરી રાખી હતી. ચીને પણ સામી બાજુ ટેંકો ગોઠવી હતી જે ભારતીય સરહદ નજીક હતી.
ચીનના સેંકડો જવાનોએ પૈંગોંગ સરોવર વિસ્તારમાં ઘુસણખોરી કરવાના પ્રયાસ કર્યા હતા જેને ભારતીય લશ્કરના જવાનોએ નિષ્ફળ બનાવ્યા હતા. દરમિયાન ભારતીય જવાનોએ કાલા ટૉપ હિલ પર પણ કબજો જમાવી દીધો હતો. આ વર્ષના મે માસથી ચીન અને ભારત વચ્ચે સતત તનાવની સ્થિતિ રહી હતી. જૂનમાં બંને દેશોના જવાનો વચ્ચે અથડામણ પણ થઇ હતી.
આ અથડામણમાં ભારતના વીસ જવાનો શહીદ થયા હતા. ત્યારબાદ ફરી એકવાર ઑગષ્ટમાં અથડામણ થઇ હતી. ત્યારથી ભારતીય લશ્કર સતત સાબદું રહ્યું હતું. પેંગોંગ વિસ્તારમાં ચીનના લશ્કરી પ્રવક્તાએ એવી ધમકી પણ ઉચ્ચારી હતી કે અમે હુમલો કરીશું તો 1962 કરતાં પણ વધુ ખુવારી અને નુકસાન ભારતે સહન કરવા પડશે. અમારી સાથે લડવા જતાં ભારત બરબાદ થઇ જશે.