અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ પંજશીરમાં કબજો કર્યો હોવાનો સોમવારે દાવો કર્યો હતો. તાલિબાનોએ જાહેરાત કરી હતી કે તેમણે અફઘાનિસ્તાન પર સંપૂર્ણપણે કબજો મેળવ્યો છે અને ટૂંકસમયમાં નવી સરકારની રચના કરવામાં આવશે.
સોસિયલ મીડિયામાં જારી થયેલા ફોટોગ્રાફ મુજબ તાલિબાની સભ્યો પંજશીર પ્રાંતના ગવર્નરના કમ્પાઉન્ડની ગેટ સામે ઊભા છે. તાલિબાનના પ્રવક્તા ઝબિઉલ્લાહ મુજાહિદે કહ્યું કે અફઘાનિસ્તાનમાં તાલિબાનના વિરોધનો છેલ્લો કિલ્લો પણ જીતી લેવામાં આવ્યો છે. આખરે દેશ યુદ્ધના વમળમાંથી બહાર આવી ગયો છે. દેશના લોકોને શાંતિ, સ્વતંત્રતા સાથે સુખી જીવન મળશે. તાબિલાનોએ પંજશીરના લોકોને ખાતરી આપી હતી કે તેમની સાથે કોઇ ભેદભાવ કરવામાં આવશે નહીં.
મુજાહિદે જણાવ્યું હતું કે પંજશીરના નેતા અહેમદ મસૂદ અને ભૂતપૂર્વ વાઇસ પ્રેસિડન્ટ અમરુલ્લા સાલેહ પડોશી દેશ તાજિકિસ્તાનમાં ભાગી ગયા છે. રવિવારે પંજશીરમાં લડાઈમાં કેટલાંક મોટા કમાન્ડર માર્યા ગયા છે. તેમાં સૌથી મુખ્ય મુખ્ય ફહીમ દશ્તી છે. તે પંજશીરનો પ્રવકતા હતો. આ સિવાય મસૂદ પરિવાર સાથે જોડાયેલા કમાન્ડર પણ માર્યા ગયા છે, જેમાં ગુલ હૈદર ખાન, મુનીબ અમીરી અને જનરલ વુદાદનો સમાવેશ થાય છે. તાલિબાન સૂત્રોએ કેટલાક ટોચના પંજશીર કમાન્ડરોનાં મૃત્યુની પુષ્ટિ કરી હતી. હવે મસૂદ જૂથ દ્વારા પણ આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે.