અફઘાનિસ્તાનમાં કાબુલ પર કબ્જો જમાવ્યાના ૨૨ દિવસ પછી તાલિબાનોએ મંગળવારે નવી સરકારની જાહેરાત કરી હતી. 33 સભ્યો ધરાવતી નવી સરકારના વચગાળાના વડાપ્રધાન તરીકે મુલ્લા મોહમ્મદ હસન અખુંદના નામની જાહેરાત કરાઈ છે. અબ્દુલ ગની બરાદર ઉપપ્રમુખ બનાવાયા છે. તાલિબાનના પ્રમુખ શેખ હિબ્દુલ્લાહ અખુંદજાદા સુપ્રીમ લીડર રહેશે અને તેને અમીર-ઉલ-અફઘાનિસ્તાન તરીકે સંબોધાશે.
અફઘાન સરકારમાં મુલ્લા યાકુબને સંરક્ષણપ્રધાન, જયારે સિરાજુદ્દીન હક્કાનીને ગૃહપ્રધાન બનાવવામાં આવ્યા છે. આ હક્કાનીનું નામ અમેરિકીની એફબીઆઇ દ્વારા વોન્ટેડ આતંકવાદીઓના લિસ્ટમાં સામેલ છે. સિરાજુદ્દીન હક્કાની નેટવર્કનો પ્રમુખ છે. હકકાની પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની સરહદે આવેલા સુંદર પહાડી પ્રાંતમાંથી આવે છે. જરદાન કબીલાઇ સાથે સંબંધ ધરાવતા હક્કાનીના નામથી આ વિસ્તાર ઓળખાય છે.
તાલિબાન પ્રવકતા જબીઉલ્લાહ મુજાહિદે પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરતા હવે અટકળોનો અંત આવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ મુલ્લા અખુંદજાદા અને અબ્દુલ ગની બરાદર વચ્ચે નંબર વનની પોઝિશન માટે હોડ હતી. બંને નેતાઓ તાલિબાનની સ્થાપના થઇ ત્યારથી જોડાયેલા છે. અફઘાનિસ્તાનની સરકારમાં નંબર વનની પોઝિશન સંભાળી રહેલા મુલ્લા મહંમદ હસન અખુંદજાદા ધાર્મિક નેતા હોવાની છાપ ધરાવે છે.તાલિબાની પ્રવકતાએ આને અંતરિમ સરકાર ગણાવી હતી. હાલમાં શુરા પરિષદ (પ્રધાનમંડળ) તમામ કામકાજ સંભાળશે અને લોકોની ભાગીદારી સરકારમાં કેવી રીતે હશે એ હવે પછી નકકી કરવામાં આવશે. તાલિબાને અફઘાનિસ્તાનમાં અજેય ગઢ ગણાતા પંજશીર પર વિજય મેળવ્યા પછી સરકાર રચવાની જાહેરાત કરી હતી પરંતુ પંજશીરમાં એનઆરએફ (નેશનલ રેસિસ્ટ ફોર્સ)ના અહેમદ મસૂદે તાલિબાનના દાવાને ફગાવીને લડત ચાલું રાખવાનો દાવો કર્યો છે.