તાલિબાન ત્રાસવાદીઓ રવિવારે અફધાનિસ્તાનની રાજધાની કાબુલમાં પ્રવેશ્યા હતા. સરકારના એક પ્રધાને જણાવ્યું હતું કે સત્તા વચગાળાના વહીવટીતંત્રને ટ્રાન્સફર કરવામાં આવશે. બીજી તરફ અમેરિકાએ હેલિકોપ્ટર મારફત તેના ડિપ્લોમેટને બહાર કાઢ્યા હતા. ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ રોઇટર્સને જણાવ્યું હતું કે તાલિબાન બળવાખોરો તમામ દિશાથી રાજધાનીમાં આવી રહ્યા છે. તેમણે વધુ વિગત આપી ન હતી. રાજધાનીમાં લડાઇના કોઇ અહેવાલ મળ્યા ન હતા.
તાલિબાન પ્રવક્તા ઝબિહુલ્લા મુજાહિદે જણાવ્યું હતું કે ગ્રૂપ સત્તા ટ્રાન્સફર માટે સરકાર સાથે મંત્રણા કરી રહ્યું છે. શાંતિપૂર્ણ અને સંતોષજનક રીતે સત્તા ટ્રાન્સફર નહીં થાય ત્યાં સુધી કાબુલના તમામ પ્રવેશદ્વાર પર તાલિબાનો ખડે પગે રહેશે.
આશરે 20 વર્ષ પહેલા અમેરિકાએ અફધાનિસ્તાનમાંથી તાલિબાનને ખદેડી મૂક્યા બાદ હવે અફઘાનિસ્તાન સંપૂર્ણપણે તાલિબાનના કબજામાં આવ્યું છે. રવિવારે તાલિબાન કાબુલમાં પ્રવેશ્યા કે તરત જ અફઘાન સરકાર તેમની સાથે સમાધાન કરવા સંમત થઈ હતી અફઘાનિસ્તાનના કાર્યકારી ગૃહપ્રધાન અબ્દુલ સત્તાર મિરજકવાલે જણાવ્યું હતું કે તાલિબાન કાબુલ પર હુમલો ન કરવા સંમત થયા છે. તેઓ સત્તાનું શાંતિપૂર્ણ હસ્તાંતરણ ઇચ્છે છે અને તે આ માટે રાજી થઈ ગયા છે. નાગરિકોને તેમની સલામતી વિશે નિશ્ચિત રહે. તાલિબાને એક નિવેદન પણ જાહેર કરીને કહ્યું છે કે તે નાગરિકોની સલામતીની બાંયધરી આપે છે. તાલિબાને કાબુલની જેલ તોડીને આશરે 5 હજાર કેદીઓને છોડાવી દીધા હતી.