મેસેચ્યુસેટ્સની બ્રિજહામ એન્ડ વિમેન્સ હોસ્પિટલ દ્વારા હાથ ધરાયેલા સંશોધન અભ્યાસ અનુસાર દરરોજ મલ્ટીમિટામીનની ટેબ્લેટ લેવાથી 65 વર્ષથી વધારે ઉંમરના લોકોની માનસિક તંદુરસ્તી વધે છે અને મોટી ઉંમરે અનુભવાતા ચિતભ્રમના જોખમથી બચી પણ શકાય છે. અમેરિકન અભ્યાસમાં સંશોધકોએ મૂકેલા અંદાજ પ્રમાણે દરરોજ મલ્ટીવિટામીનની એક ટેબ્લેટ ત્રણ વર્ષ સુધી લેવાથી જ્ઞાન – જાણકારી સંબંધિત ઘટાડો 60 ટકા જેટલો ધીમો પડી શકે છે. બ્રિટનમાં ચિતભ્રમ, નબળી માનસિક સ્થિતિવાળા આશરે નવ લાખ લોકો છે અને 2040 સુધીમાં આ સંખ્યા 1.6 મિલિયન થવાનો અંદાજ છે.

પ્રોફેસર લૌરા બેકરના જણાવ્યાનુસાર મોટી ઉંમર કે વૃદ્ધાવસ્થામાં ચિતભ્રમ, નબળી માનસિક સ્થિતિ ટાળવા કે રાહત મેળવવા સુરક્ષિત અને પરવડે તેવી વ્યવસ્થા ઉભી થાય તે જરૂરી છે.

અમેરિકામાં 21 હજાર પુરુષો અને મહિલાઓને પ્રતિદિન કોકો અર્ક સપ્લીમેન્ટ કે મલ્ટીવિટામીન મિનરલ સપ્લીમેન્ટ આપીને તેમના હૃદયરોગ, સ્ટ્રોક, કેન્સર, ચિતભ્રમ કે આરોગ્ય વિષયક તકલીફોમાં ઘટાડો કે વધારો થાય છે કે કેમ તેનો અભ્યાસ કરાયો હતો.

ફલેવેનોલ્સ નામના સંયોજનવાળા કોકો અર્ક સપ્લીમેન્ટથી માનસિક શક્તિ ઉપર સકારાત્મક અસર થઇ શકતી હોવાનું અગાઉના અભ્યાસોમાં પણ સૂચવાયું હતું. પ્રોફેસર બેકરે જણાવ્યું હતું કે કેટલાક માઇક્રોન્યૂટ્રીયન્ટ અને મિનરલ શરીર અને મગજની સામાન્યવત્ કામગીરી જાળવવા જરૂરી છે, જો તેમાં ઉણપ હોય તો વૃદ્ધાવસ્થા કે મોટી ઉંમરે ચિતભ્રમનું જોખમ વધી શકે છે.

અભ્યાસ દરમિયાન 65 વર્ષ કે તેથી વધારે ઉંમરના 2200થી વધારે પ્રયોગપાત્રોની જીવનશૈલી અને સપ્લીમેન્ટ પ્રયોગ ઉપર ત્રણ વર્ષ સુધી ધ્યાન અપાયા બાદ મલ્ટીવિટામીન અપાયેલા અને પ્લેસબો સારવાર અસર સંબંધિત ટેલિફોનિક ટેસ્ટ અને તે પછી યાદશક્તિ અને આવડત કસોટીની ચકાસણી કરવામાં આવી હતી.

કાર્ડિયોવાસ્કયુલર તકલીફવાળાઓમાં આવો લાભ વધુ હોવાનું પણ જણાયું છે. વેક યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડીસિનના પ્રોફેસર બેકરે તારણરૂપે જણાવ્યું હતું કે, કોકો અર્ક સપ્લીમેન્ટથી માનસિક શક્તિને અસર નથી થતી પરંતુ દરરોજ મલ્ટીવિટામીન સપ્લીમેન્ટથી માનસિક શક્તિમાં વધારો અને ચિતભ્રમ ઘટાડાના પરિણામો મળ્યા છે. વૃદ્ધોમાં મલ્ટીવિટામીન સપ્લીમેન્ટના લાંબા ગાળાના લાભના પુરાવા આપતો આ પ્રથમ અભ્યાસ હોવાનું જણાવતા પ્રોફે. બેકરે ઉમેર્યું હતું કેસ, આરોગ્ય વિષયક કોઇ પણ ભલામણો કરતા પૂર્વે વધુ અભ્યાસ જરૂરી છે.

LEAVE A REPLY