તાજમહેલના 22 રૂમ ખોલવાની માંગ કરતી અરજીને અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચે ફગાવી દીધી છે. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીની રચનાની માંગની યોગ્યતા પર સવાલ ઉઠાવ્યા હતા અને અરજદારને પૂછ્યું હતું કે તમે કમિટી બનાવીને શું જાણવા માગો છો? કોર્ટે કહ્યું કે અરજી યોગ્ય અને ન્યાયિક મુદ્દાઓ પર આધારિત નથી.
જસ્ટિસ ડીકે ઉપાધ્યાય અને જસ્ટિસ સુભાષ વિદ્યાર્થીની બેન્ચે તાજમહેલ પર દાખલ કરાયેલા વિવાદની સુનાવણી કરતા અરજદારને પૂછ્યું કે, તમે કયો ચુકાદો બતાવી રહ્યાં છો. અરજદારે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના અનેક ચુકાદા રજૂ કર્યા, જેમાં કલમ 19 હેઠળના મૂળભૂત અધિકારો અને ખાસ કરીને પૂજા અને ધાર્મિક માન્યતાની સ્વતંત્રતાનો ઉલ્લેખ છે.
તેના પર અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચે કહ્યું કે, અમે તમારી દલીલો સાથે સહમત નથી. આ અરજી વાજબી નથી, રૂમ ખોલવા અંગેની અરજી માટે ઐતિહાસિક સંશોધનમાં યોગ્ય પદ્ધતિનો સમાવેશ થવો જોઈએ, તેને ઈતિહાસકારો પર છોડી દેવો જોઈએ, અમે આવી અરજી પર ધ્યાન આપી શકીએ નહીં.