ટાટા ગ્રૂપની હોટેલ કંપની ઇન્ડિયન હોટેલ્સ કંપનીએ શુક્રવારે જણાવ્યું હતું કે તેની તાજ બ્રાન્ડને વિશ્વની સૌથી મજબૂત હોટેલ બ્રાન્ડ તરીકે ઊભરી છે.
ગ્લોબલ બ્રાન્ડ વેલ્યુએશન કન્સલ્ટન્સી કંપની બ્રાન્ડ ફાઇનાન્સના હોટેલ 50-2021ના અહેવાલ મુજબ કોરોના મહામારીના પડકારો હોવા છતાં પ્રતિકારક્ષમતા દર્શાવવા બદલ સૌથી મજબૂત બ્રાન્ડમાં તાજ નંબર વન પર રહી છે. આ ઉપરાંત આ બ્રાન્ડની બીજી સિદ્ધિઓને પણ ધ્યાનમાં લેવામાં આવી છે.
આ યાદીમાં તાજ બ્રાન્ડે 2016 પછી ફરી સ્થાન મેળવ્યું છે. 2016માં તે 38માં ક્રમે હતી. માર્કેટિંગ ઇન્વેસ્ટમેન્ટ, કસ્ટમર ફેમિલિયારિટી, સ્ટાફ સેટિશફેકશન અને કોર્પોરેટ પ્રતિષ્ઠા જેવા પરિબળોને ધ્યાનમાં રાખીને આ યાદી તૈયાર કરવામાં આવી છે. તાજ બ્રાન્ડનું વેલ્યુ 296 મિલિયન ડોલર છે. બ્રાન્ડ ફાઇનાન્સ અહેવાલ મુજબ બીજા ક્રમે પ્રિમિયર ઇન, ત્રીજા ક્રમે મેલિયા હોટેલ્સ ઇન્ટરનેશનલ, ચોથા ક્રમે એનએચ હોટેલ ગ્રૂપ અને પાંચમાં ક્રમે શાંગરી-લા હોટેલ્સ એન્ડ રિસોર્ટ હતી.
બ્રાન્ડ ફાઇનાન્સના સીઇઓ ડેવિડ હૈગે જણાવ્યું હતું કે વૈશ્વિક પ્રવાસીઓને આ બ્રાન્ડમાં વિશ્વાસ છે અને પ્રવાસીઓ અલગ અલગ રીતે તેની ચકાસણી પણ કરી છે. અહેવાલમાં જણાવ્યા અનુસાર તાજ તેની વર્લ્ડ ક્લાસ કસ્ટમર સર્વિસ માટે વિશ્વવિખ્યાત છે.
વિશ્વની સૌથી મૂલ્યવાન હોટેલ બ્રાન્ડમાં હિલ્ટન ટોચ પર રહી છે. જોકે તેનું મૂલ્ય 30 ટકા ઘટીને 7.6 બિલિયન ડોલર થયું છે. હિલ્ટનની હરીફ મેરિયોટ ગયા વર્ષના બીજા ક્રમેથી ગબડીને પાંચમાં ક્રમે આવી ગઈ છે, કારણ કે તેનું મૂલ્ય 60 ટકા ઘટીને 2.4 બિલિયન ડોલર થયું છે. આ યાદીમાં હ્યાત બીજા ક્રમે રહી હતી.