અમેરિકાના પ્રતિનિધિગૃહના સ્પીકર નેન્સી પેલોસીની તાઈવાન યાત્રા બાદ ચીન ગુરુવારે આક્રમક બન્યું હતું અને યુદ્ધાભ્યાસ ચાલુ કર્યો હતો. જો ચીન તાઇવાનને ઘેરી લેશે અને તેની આયાત–નિકાસ પર નિયંત્પરણો મૂકશે વિશ્વમાં સેમીકન્ડક્ટર ચિપના સપ્લાયને અસર થવાની ધારણા છે. તાઇવાન દુનિયાભરમાં વેચાઈ રહેલા સ્માર્ટફોન, કાર અને અન્ય ઈલેક્ટ્રોનિક સામાન માટે સૌથી મહત્વના સેમીકન્ડક્ટર્સના ઉત્પાદનનું હબ પણ છે.
છેલ્લા દિવસોમાં તાઇન સેમીકન્ડક્ટર મેન્યુફેકચરિંગ કોર્પોરેશનના ચેરપર્સન માર્ક લિઉએ એ વાતનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે જો ચીન તાઇવાન પર હુમલો કરશે તો પછી દુનિયાની સૌથી એડવાન્સ ચિપ ફેક્ટરી કામ કરી શકશે નહીં. હુમલાની સ્થિતિમાં અમારા માટે કામ કરવું મુશ્કેલ થશે. ઈન્ડિયન ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશને કહ્યું કે તાઇવાન-ચીન યુદ્ધ થશે તો સેમીકન્ડક્ટરની અછતનો ખતરો ફરી પેદા થશે, કારણ કે તાઇવાનની સેમીકન્ડક્ટર ચિપ ઉત્પાદક ટીએસએમસીનું માનવું છે કે જો બંને દેશો ટકરાવ વધશે તો તાઈવાનના ચિપ ઉત્પાદકોને ‘નોન-ઓપરેટ’ કરી દેવામાં આવશે. એટલું જ નહીં મોબાઇલ કંપનીઓની સાથે કાર બનાવતી કંપનીઓને પણ ઝાટકો લાગશે.તાઇવાન સેમીકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કંપની દુનિયાની સૌથી મોટી સેમીકંડક્ટર કંપની છે.
સેમીકંડક્ટરના મામલામાં આ કંપનીના વર્ચસ્વનો અંદાજ એ વાત પરથી લગાવી શકાશે કે ટીએસએમસી એક સમયે ગ્લોબલ માર્કેટની 92 ટકા ડિમાન્ડ પૂર્ણ કરતી હતી.