મુંબઇના 26/11ના આતંકવાદી હુમલાના આરોપી પાકિસ્તાની મૂળના કેનેડિયન બિઝનેસમેન તહવ્વુર રાણાએ અમેરિકાની કોર્ટમાં ભારત પ્રત્યાર્પણના આદેશને પડકાર્યો હતો. હુમલાના આરોપીને ભારત લાવવાની તૈયારીની વચ્ચે રાણાએ પોતાના વકીલ દ્વારા હેબિયસ કોર્પસ દાખલ કરીને તેને ભારત-અમેરિકાની વચ્ચે પ્રત્યાર્પણ કરારનો ભંગ ગણાવ્યો હતો. ગત 16મેએ સેન્ટ્રલ ડિસ્ટ્રક્ટ ઓફ કેલિફોર્નિયાની અમેરિકી ડિસ્ટ્રિક્ટ કોર્ટના મેજિસ્ટ્રેટ જેકલિન ચૂલજિયાને અમેરિકાની સરકારની એ વિનંતી સ્વીકારી લીધી હતી કે રાણાને ભારતીય એજન્સીઓને સોંપી દેવામાં આવે.
10 જૂન, 2020ના રોજ, ભારતે પ્રત્યાર્પણના હેતુ સાથે રાણાની કામચલાઉ ધરપકડની માંગ કરતી ફરિયાદ દાખલ કરી. બાઇડન સરકારે રાણાના ભારત પ્રત્યાર્પણને સમર્થન અને મંજૂરી આપી હતી.
મુંબઈ હુમલામાં 62 વર્ષીય તહવ્વુર રાણા પર લશ્કર-એ-તૈયબાના પાકિસ્તાની મૂળના અમેરિકાની નાગરિક ડેવિડ કોલમેન હેડલીની મદદ કરવાનો આરોપ છે. હુમલામાં રાણાની ભૂમિકા તપાસ કરી રહેલી એનઆઈએને જાણવા મળ્યું હતું કે રાણાને મુંબઈ હુમલામાં હેડલીની સંડોવણી હોવાનું જાણતો હોવા છતાં મદદ કરી હતી. મુંબઈ હુમલામાં કુલ 166 લોકોના મોત થયા હતા, જ્યારે 10 હુમલાખોર પૈકી 9ને સુરક્ષાદળોએ ઠાર કર્યા હતા અને એક આતંકવાદી અઝમલ કસાબને જીવતો પક્ડયો હતો. રાણા હાલ લોસ એન્જિલિસના ડિટેન્શન સેન્ટરમાં કેદ છે. રાણાના વકીલે પણ પ્રત્યાર્પણ વિરોધ કર્યો હતો. ભારત-અમેરિકા વચ્ચે પ્રત્યાર્પણ કરાર છે. જજે ચુકાદમાં કહ્યું હતું કે રાણાનું ભારત પ્રત્યાર્પણ સૂંપર્ણ રીતે બંને દેશોના કરાર અધિકાર ક્ષેત્રમાં છે.