ગણતંત્ર દિવસે ”કર્તવ્ય પથ”, નવી દિલ્હી ખાતે યોજાયેલી રાષ્ટ્રીય પરેડમાં તમામ રાજ્યો અને વિવિધ સરકારી વિભાગના ટેબ્લો રજૂ થયા હતા. જેમાં ગુજરાતના ટેબ્લોમાં કચ્છમાં આકાર લઇ રહેલા વિશ્વનો સૌથી વિશાળ હાઈબ્રીડ રિન્યુએબલ એનર્જી પાર્ક, દેશનું સૌ પ્રથમ 24×7 સોલાર ઊર્જા મેળવતું મોઢેરા ગામ, PM-KUSUM યોજના અને કેનાલ રુફટોપથી સૌરઊર્જા ઉત્પાદનના નિદર્શને લોકોમાં આકર્ષણ જન્માવ્યું હતું. ગુજરાતની ”ક્લિન-ગ્રીન ઊર્જાયુક્ત ગુજરાત” વિષય આધારિત સાંસ્કૃતિક ઝાંખીએ ઉપસ્થિત સૌમાં અનેરુ આકર્ષણ જન્માવ્યું હતું. કચ્છ-મોઢેરાની સાંસ્કૃતિક ઝલક અને સૌર-પવનઊર્જાના વિજ્ઞાનિક-તકનીકી અભિગમનું એકીકરણ કરીને પુનઃપ્રાપ્ય-હરિત અને શુદ્ધ ઊર્જાના નિર્માણ દ્વારા ઊર્જાક્ષેત્રે દેશ અને દુનિયાને નવી રાહ ચીંધવાનો ઝાંખી દ્વારા જે સુંદર પ્રયાસ કરવામાં આવ્યો છે, તેની અત્રે ઉપસ્થિત સૌએ દિલ ખોલીને પ્રશંસા કરી હતી.
આ સાથે કચ્છના ભાતીગળ પહેરવેશ, સફેદ રણ, રણના વાહન ઊંટ, પરંપરાગત ઘર – ભૂંગાની સાથે ગુજરાતની સંસ્કૃતિને પ્રદર્શિત કરતા ગરબાં નૃત્યોએ ઝાંખીમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. વિવિધ 23 સાંસ્કૃતિક ઝાંખીઓ, શસ્ત્રો- સૈનિક શક્તિનું પ્રદર્શન તથા સૈનિકોના જાંબાઝ કરતબોએ લોકોના દિલ જીત્યા, જયારે નારીશક્તિને નિરૂપતી નૃત્યનાટિકા જોઈ સૌ કોઈ ભાવવિભોર થયા હતા.