મુંબઈ પોલીસે મંગળવારે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતા અસિત કુમાર મોદી, ઓપરેશન હેડ સોહેલ રામાણી અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતિન બજાજ સામે આ શોની એક અભિનેત્રીની ફરિયાદના આધારે જાતિય સતામણીનો કેસ દાખલ કર્યો હતો.
પવઈ પોલીસે ભારતીય દંડ સંહિતા (આઈપીસી)ની કલમ 354 અને 509 (મહિલાની શાલિતાનો ભંગ થાય તેવો હુમલો અથવા ગુનાહિત બળજબરી હેઠળ એફઆઈઆર નોંધી છે. જોકે પોલીસે હજુ સુધી કોઈની ધરપકડ કરી નથી.
ગયા મહિને, એક અભિનેત્રીએ આ શોના નિર્માતા અસિત કુમાર મોદી અને ક્રૂના અન્ય બે સભ્યો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. મુંબઈ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પોલીસે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતા અસિત કુમાર મોદી અને ક્રૂના અન્ય બે સભ્યો સામે તેના જાતીય સતામણીના આરોપોના સંબંધમાં અભિનેત્રીનું નિવેદન નોંધ્યું હતું. પોલીસ અસિત કુમાર મોદીને તેમના નિવેદન માટે ટૂંક સમયમાં બોલાવશે.
જોકે, અસિત મોદીએ આ આરોપોને નકારી કાઢ્યા હતા અને તેને પાયાવિહોણા ગણાવ્યા હતા. તેમણે બદનામ કરવાનો પ્રયાસ કરવા બદલ અભિનેત્રી સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો દાવો પણ કર્યો હતો.