ટી-20 વર્લ્ડકપમાં આર્યર્લેન્ડ સામેની આખરી લીગ મેચમાં ૩૫ રનથી વિજય મેળવતા ન્યુઝીલેન્ડ ટી-૨૦ વર્લ્ડ કપની સેમિ ફાઈનલમાં પ્રવેશનારી સૌપ્રથમ ટીમ બની હતી. કેપ્ટન વિલિયમસને ૩૫ બોલમાં પાંચ ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે ૬૧ રનની ઈનિંગ રમતાં ન્યુઝીલેન્ડે છ વિકેટે ૧૮૫ રન કર્યા હતા. જવાબમાં ફર્ગ્યુસને ૩ અને સાઉથી, સાન્ટનર અને સોઢીએ ૨-૨ વિકેટ મેળવતા આયરલેન્ડ ૯ વિકેટે ૧૫૦ રન કરી શક્યું હતુ. વિલિયમસન પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયો હતો.
ન્યુઝીલેન્ડે આ સાથે પાંચ મેચમાં ૭ પોઈન્ટ મેળવ્યા હતા અને તેઓ ૨.૧૧૩ના રનરેટ સાથે ટોચ પર રહ્યા હતા. હવે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયામાંથી કોણ સેમિ ફાઈનલમાં પ્રવેશે છે, તે જોવાનું રહેશે.
શુક્રવારે અફઘાનિસ્તાને અત્યંત મહત્વની મેચમાં ઓસ્ટ્રેલિયાને 20 ઓવરમાં આઠ વિકેટે 168 રન નોંધાવવા દીધા હતા જેના કારણે ન્યૂઝીલેન્ડ સેમિફાઈનલમાં પહોંચી ગઈ હતી. ન્યૂઝીલેન્ડે તેની અંતિમ ગ્રુપ મેચમાં આયર્લેન્ડને 35 રને પરાજય આપ્યો હતો. જેના કારણે વર્તમાન ચેમ્પિયન ઓસ્ટ્રેલિયન ટીમને અફઘાનિસ્તાન સામેની મેચમાં 180થી વધુ રનનો સ્કોર નોંધાવવાની જરૂર હતી. પરંતુ ઓસ્ટ્રેલિયા તેટલો સ્કોર નોંધાવવામાં નિષ્ફળ રહ્યું હતું. જેથી રનરેટના આધારે ન્યૂઝીલેન્ડ સેમિફાઈનલમાં પહોંચી ગયું છે. ન્યૂઝીલેન્ડની રન રેટ +2.113 જ્યારે ઓસ્ટ્રેલિયાની રન રેટ +1.877 છે. સુપર-12ના ગ્રુપ-એમાં ન્યૂઝીલેન્ડ બાદ ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા અને ઈંગ્લેન્ડની ટીમો સેમિફાઈનલની રેસમાં છે.