હાલમાં સંયુક્ત આરબ અમિરાતમાં રમાઈ રહેલા ટી-20 વર્લ્ડ કપમાં ભારત પોતાની ગ્રુપની પહેલી બે મેચ અનુક્રમે પાકિસ્તાન તથા ન્યૂઝીલેન્ડ સામે હારી ગયા પછી થોડી પ્રતિષ્ઠા બચાવી બીજી બે મેચમાં વિજય મેળવ્યા હતા. જો કે, આખરે ગ્રુપમાં તેનો મદાર ન્યૂઝીલેન્ડ – અફઘાનિસ્તાન મેચમાં અફઘાનિસ્તાનના વિજય ઉપર હતો, પણ તે મુકાબલો રવિવારે ભારતની કમનસીબી ઉપર આખરી સિક્કો મારી ગયો અને ભારત હવે સેમિફાઈનલમાં પહોંચવાની તક ગુમાવી ચૂક્યું છે. ભારતના ગ્રુપમાંથી પાકિસ્તાન પ્રથમ સ્થાને તેમજ ન્યૂઝીલેન્ડ બીજા સ્થાને રહ્યા છે, જયારે બીજા ગ્રુપમાંથી ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા પહેલા અને બીજા સ્થાને રહી સેમિફાઈનલમાં પહોંચી ગયા છે.
બુધવારે (10 નવેમ્બર) પહેલી સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડનો મુકાબલો ન્યૂઝીલેન્ડ સામે અબુધાબીમાં તથા ગુરૂવારે બીજી સેમિફાઈનલમાં પાકિસ્તાનનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે થશે.
ફાઈનલ રવિવારે (14 નવેમ્બર) દુબઈમાં રમાશે. ગ્રુપ બીમાં પાકિસ્તાન એકમાત્ર એવી ટીમ છે જે અજેય રહી છે અને તેણે પાંચ મેચમાંથી પાંચેયમાં વિજય સાથે 10 પોઈન્ટ મેળવ્યા છે. ન્યૂઝીલેન્ડ બીજા ક્રમે રહી છે અને એકમાત્ર પાકિસ્તાન સામે તેનો પરાજય થતાં તેને 8 પોઈન્ટ મળ્યા છે. ગ્રુપ બીમાં સેમિફાઈનલમાં પહોંચેલી બન્ને ટીમો – ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાએ પાંચમાંથી ચાર મેચમાં વિજય સાથે 8-8 પોઈન્ટ મેળવ્યા છે. એ ગ્રુપમાં તો સાઉથ આફ્રિકાએ પણ 8 પોઈન્ટ જ મેળવ્યા હતા, પણ નબળા રનરેટના કારણે તે સેમિફાઈનલમાં પહોંચી શકી નહોતી.