ભારતે ઓસ્ટ્રેલિયા પ્રવાસથી શરૂ કરેલો સીલસીલો ઘરઆંગણે ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સીરીઝમાં દોહરાવ્યો હતો અને હવે લાગે છે કે, ટી-20 સીરીઝમાં પણ એ રીપીટ થાય તો નવાઈ નહીં. શુક્રવારે (12 માર્ચ) રમાયેલી પહેલી ટી-20માં ઈંગ્લેન્ડ છવાયેલું રહ્યું હતું અને આઠ વિકેટે વિજય પછી રવિવારની બીજી મેચમાં ભારતે વધુ કપરો ટાર્ગેટ વધુ સહેલાઈથી હાંસલ કરી ઈંગ્લેન્ડને સાત વિકેટે હરાવ્યું હતું. ભારતીય ટીમે બે નવા ચહેરાઓ – ઈશાન કિશન તથા સૂર્યકુમાર યાદવને કેપ આપી હતી, તેમાંથી ઈશાન કિશને તક મળતા પોતાનો ડેબ્યુ યાદગાર બનાવી ઝંઝાવાતી અડધી સદી કરી હતી, તો સુકાની વિરાટ કોહલીએ પણ અણનમ રહી લગભગ 150ના સ્ટ્રાઈક રેટ સાથે અણનમ 73 રન કર્યા હતા.
રવિવારની બીજી ટી-20માં ભારતે ટોસ જીતી ઈંગ્લેન્ડને પહેલા બેટિંગમાં ઉતાર્યું હતું અને ઈંગ્લેન્ડે 6 વિકેટે 164 રનનો પડકારજનક કહી શકાય તેવો સ્કોર કર્યો હતો. જો કે, ભારતે એ ટાર્ગેટ 17.5 ઓવર્સમાં ફક્ત ત્રણ વિકેટે હાંસલ કરી સાત વિકેટે વિજય નોંધાવ્યો હતો. ભારતની સમગ્ર ઈનિંગમાં ક્યારેય ટીમ કોઈપણ મુશ્કેલીમાં હોવાનું જણાયું નહોતું.
કોહલીએ ૪૯ બોલમાં પાંચ ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે ૭૩ રન કર્યા હતા, તો ઇંગ્લેન્ડ તરફથી સેમ કરન, ક્રિસ જોર્ડન તથા આદિલ રશિદે એક-એક વિકેટ ઝડપી હતી.
ઈંગ્લેન્ડની ઈનિંગમાં ભૂવનેશ્વર કુમારે લાંબા સમય પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરતાં પહેલી જ ઓવરમાં જોસ બટલરની વિકેટ ખેરવી હતી અને ઈંગ્લેન્ડે એક રને જ પહેલી વિકેટ ગુમાવી હતી. એ પછી જેસન રોય અને ડેવિડ મલાને બીજી વિકેટની ભાગીદારીમાં 63 રન કર્યા હતા. ઈંગ્લેન્ડની ઈનિંગ્સની એ સૌથી મોટી ભાગીદારી રહી હતી. જેસન રોયના 46 રન સૌથી વધુ વ્યક્તિગત સ્કોર રહ્યો હતો. ભારત તરફથી ભૂવનેશ્વર અને ચહલે એક-એક તેમજ વોશિંગ્ટન સુંદર અને શાર્દુલ ઠાકુરે બે-બે વિકેટ લીધી હતી.
ભારત તરફથી ઓપનિંગમાં ઉતરેલો કે. એલ. રાહુલ નિષ્ફળ રહ્યો હતો, તે પણ પહેલી જ ઓવરમાં ખાતું ખોલ્યા વિના આઉટ થયો હતો. તેના સ્થાને આવેલો સુકાની કોહલી છેક સુધી રમ્યો હતો, તો રાહુલના ઓપનર સાથી ઈશાન કિશને ઝમકદાર બેટિંગ કરી હતી. તેના સ્થાને આવેલો રીષભ પંતે પણ નાની છતાં તોફાની ઈનિંગ રમી 26 રન કર્યા હતા. ઈશાનનો સ્ટ્રાઈક રેટ 175 તથા પંતનો સ્ટ્રાઈક રેટ 200નો રહ્યો હતો.
પહેલી મેચમાં ઈંગ્લેન્ડનો 8 વિકેટે વિજયઃ શુક્રવારે રમાયેલી પહેલી મેચમાં ભારતની આખી ધરખમ બેટિંગ લાઈન અપ નિષ્ફળ રહી હતી, એકમાત્ર શ્રેયસ ઐયરે 48 બોલમાં 67 રન કરી ટીમને સંપૂર્ણ ધબડકામાંથી બચાવી હતી. કોહલી તો ખાતુ પણ ખોલાવી શક્યો નહોતો. ઐયર ત્રીજી વિકેટ પડ્યા પછી મેદાનમાં આવ્યો ત્યારે ભારતે પાંચ ઓવરના અંતે 20 રન કર્યા હતા.
ટોસ જીતી ભારતને પહેલા બેટિંગમાં ઉતારવાનો ઈંગ્લેન્ડના સુકાનીનો નિર્ણય સાર્થક રહ્યો હતો. ઇંગ્લેન્ડ તરફથી આર્ચરે 23 રનમાં 3 વિકેટ ખેરવી હતી. ઈંગ્લેન્ડ તરફથી જેસન રોયે 49 તથા જોસ બટલરે 28 રન કર્યા હતા, તો મલાને 24 અને બેરસ્ટોએ 26 રન કર્યા હતા.