સિરિયાની રાજધાની દમાસ્કસમાં બુધવારે લશ્કરી ટુકડીને લઈને જઈ રહેલી બસમાં બોંબ વિસ્ફોટ થતાં ઓછામાં ઓછા 14 વ્યક્તિના મોત થયા હતા અને અનેક ઘાયલ થયા હતા. તાજેતરના વર્ષોમાં દમાસ્કસમાં થયેલો આ સૌથી ઘાતકી હુમલો છે. બસમાં બે બોંબ મૂકવામાં આવ્યા હતા અને બસ જઈ રહી હતી ત્યારે વિસ્ફોટ થયા હતા, એમ લશ્કરી અધિકારીઓએ જણાવ્યું હતું. હમા શહેરમાં પણ શસ્ત્ર ડેપોમાં વિસ્ફોટ થયો હતો, જેમાં સરકાર તરફ છ જવાનોના મોત થયા હતા.
સિરિયાની સરકાર બળવાખોરોના અંકુશ હેઠળના ઉત્તરપશ્ચિમ વિસ્તારો સહિતના દેશના કેટલાંક પ્રદેશોમાં બળવાખોરો સામે એક દાયકાથી સંઘર્ષ કરી રહી છે, પરંતુ 2018 પછીથી દમાસ્કસમાં ભાગ્યે જ બોંબ વિસ્ફોટ થયો છે. 2018માં સિરિયાના પ્રેસિડન્ટ બશર અસાદના લશ્કરી દળોએ વિરોધી બળવાખોરને રાજધાનીથી દૂર હાંકી કાઢ્યા હતા.
આ બોંબ વિસ્ફોટ મુખ્ય બસ ટ્રાન્સફર પોઇન્ટ્સના ભીડવાળવાળા વિસ્તારોમાં થયો હતો. અહીં સામાન્ય રીતે મુસાફરો અને સ્કૂલના બાળકોની અવરજવર રહેતી હોય છે. સિરિયાની ટીવીએ બોંબ વિસ્ફોટ પછી બળીને ખાખ થઈ ગયેલી બસમાંથી બહાર આવતા ધુમાડાના ફુટેજ દર્શાવ્યા હતા.
આ હુમલાની કોઇ જૂથે જવાબદારી લીધી ન હતી, પરંતુ પ્રેસિડન્ટ અસાદને ઉખાડી ફેંકવા માટે સિરિયામાં કેટલાંક ત્રાસવાદી અને જેહાદી જૂથો સક્રિય છે. હિંસાની બીજી એક ઘટનામાં દેશના ઉત્તરપશ્ચિમમાં આવેલા બળવાખોરના છેલ્લાં ગઢમાં સરકારી દળોના શેલિંગમાં ચાર બાળકો અને એક મહિલા સહિત 10 લોકોના મોત થયા હતા. યુએનના માનવતાવાદી કાર્યના પ્રાદેશિક કો-ઓર્ડિનેટર માર્ક કટ્સે આ ઘટનાને આઘાતજનક ગણાવી હતી, કારણ કે સરકારી દળોએ સ્કૂલની નજીક આવેલા બજાર અને રોડ પર હુમલા કર્યા હતા. ચાર બાળકો ઉપરાંત તેમના શિક્ષકનું પણ મોત થયું હતું.
યુએન સિલ્ડ્રન એજન્સી યુનિસેફે જણાવ્યું હતું કે આજની હિંસા ફરી યાદ અપાવે છે કે સિરિયામાં યુદ્ધનો અંત આવ્યો નથી. દાયકા લાંબા સંઘર્ષમાં નાગરિકો અને બાળકોનો પણ ભોગ લેવાઈ રહ્યો છે. બાળકો સહિત નાગરિકો પરના હુમલા આંતરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાનું ઉલ્લંઘન કરે છે. આજના આ હુમલા તૂર્કી અને રશિયાની મધ્યસ્થીથી સિરિયાની સરકાર અને બળવાખોર જૂથો વચ્ચે માર્ચ 2020માં થયેલી શાંતિ સમજૂતી પછીના સૌથી હિંસક હુમલા છે.