ઓસ્ટ્રેલિયાના સીડનીમાં ૧૮ મહિનાના સૌથી ભીષણ પૂરને મંગળવારે અનેક ઘરોમાં પાણી ભરાયા હતા અને સૈંકડો લોકો ઘરબહાર છોડીને ભાગી ગયા હતા. ઇમર્જન્સી સર્વિસિસે 50,000 લોકોને સ્થળાંતર માટે અથવા ઘર ખાલી કરવા તૈયાર રહેવા આદેશ અપાયા છે. ૫૦ લાખ લોકોની વસ્તી ધરાવતા શહેરના કેટલાક ભાગોમાં દોઢ વર્ષમાં ચોથી વખત પૂરની સ્થિતિ ઊભી થઈ છે. શુક્રવારે ભારે વરસાદને પગલે વિવિધ બંધો છલકાયા હતા અને નદીઓમાં પૂરની સ્થિતિ ઊભી થઈ હતી.
ન્યૂ સાઉથ વેલ્સમાં જળસ્તરમાં જતા વધારો થઈ રહ્યો છે. ઇમર્જન્સી વર્કર્સે સિડનીમાં આર્મીની મદદથી 22 ફ્લડ રેસ્ક્યુ કર્યા હતા ભારે વરસાદ, પૂર અને શક્તિશાળી પવનને કારણે 19,000 મકાનોમાં વીજળી સપ્લાય બંધ થઈ ગયો છે.
ઇમરજન્સી મેનેજમેન્ટ પ્રધાન મરે વોટે જણાવ્યું હતું કે, “તાજેતરની માહિતી અનુસાર આ વખતનું પૂર અગાઉના ત્રણ પૂરની તુલનામાં વધુ વિનાશક હોઇ શકે. આ વખતના પૂરમાં અગાઉ જે વિસ્તારોને અસર થઈ ન હતી એ પણ ઝપટમાં આવી શકે.”
ન્યૂ સાઉથ વેલ્સના પ્રીમિયર ડોમિનિક પેરોટેટે જણાવ્યું હતું કે, સ્થળાંતરના આદેશ અને ચેતવણીથી 50,૦૦૦ લોકોને અસર થઈ હતી. તેમણે કહ્યું હતું કે, “સપ્તાહ પૂરું થતા સુધીમાં સ્થળાંતરની સંખ્યા વધી પણ શકે.” છેલ્લા કેટલાક દિવસોમાં ઇમરજન્સી સેવાઓ દ્વારા પૂરમાં ફસાયેલા ૧૧૬ લોકોને બચાવવામાં આવ્યા છે. જેમાંથી ૮૩ લોકોને તો રવિવારે સવારે ૯ વાગ્યાથી બચાવાયા હતા. ઓસ્ટ્રેલિયાના હવામાન વિભાગના મેનેજર જેન ગોલ્ડિંગે જણાવ્યું હતું કે, “ન્યૂકાસલ અને વૂલ્લોન્ગોન્ગની વચ્ચેના વિસ્તારમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૯ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. કેટલાક વિસ્તારોમાં તો ૫૯ ઇંચ વરસાદ થયો છે. જે સિસ્ટમના કારણે આ સ્થિતિ ઊભી થઈ છે તે આવતીકાલથી હળવી થવાનો સંકેત છે.”