સાઉથ લંડનના મિચમ ખાતે મોનાર્ક પરેડના પારિવારિક ઘરે છરીના ઘા મારીને પોતાની પાંચ વર્ષની માસુમ દિકરી સયાગી શિવાનાંથમની હત્યા કરનાર જનેતા સુથા શિવાનંથમને 24મી જૂનના રોજ ઓલ્ડ બેઇલી કોર્ટ ખાતે સુનાવણી બાદ સજા કરવામાં આવી હતી. 36 વર્ષની સુથાને હત્યા માટે દોષીત જાહેર કરી અનિશ્ચિત મુદત માટે હોસ્પિટલના હુકમની સજા આપવામાં આવી છે.
ગત તા. 30 જૂન 2020ના રોજ સયાગીને છરીના વાર કરાતા પોલીસ અધિકારીઓ અને લંડન એમ્બ્યુલન્સ સેવાઓ ઘટના સ્થળે ધસી ગઇ હતી. સયાગીને હોસ્પિટલમાં લઈ જવાઇ હતી જ્યાં તેનું મૃત્યુ થયું હતું. સુથા પણ છરીના ઘા સાથે મળી આવી હતી. તેણીને હોસ્પિટલમાં બે મહિનાથી વધુ સમય સારવાર આપવામાં આવી હતી અને પછી તેણીની ધરપકડ કરી તેના પર સયાગીની હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. પોલીસ કસ્ટડી દરમિયાન તેણે હત્યાની કબુલાત કરી હતી.
મેટ પોલીસના સ્પેશ્યાલિસ્ટ ક્રાઇમના ડિટેક્ટીવ ચીફ ઇન્સ્પેક્ટર કેથરિન ગુડવિને કહ્યું હતું કે “આ ખરેખર દુ:ખદ અને જટિલ કેસ છે. જેણે એક કુટુંબ અને સમુદાયને બરબાદ કરી દીધો છે. તપાસ કરતી ટીમ પર તેની ભારે અસર પડી છે. અમારી લાગણી હંમેશા સયાગી સાથે રહેશે.”