ભારતને તેના નાગરિકો અને સંસ્થાઓના ગુપ્ત સ્વિસ બેંક ખાતાની વિગતોનો ચોથી યાદી મળી છે. ભારતને વાર્ષિક ઇન્ફર્મેશન એક્સ્ચેન્જ સમજૂતીના ભાગરૂપે આ યાદી મળી છે. આ સમજૂતી હેઠળ સ્વિટ્ઝર્લેન્ડે 101 દેશો સાથે લગભગ 34 લાખ નાણાકીય ખાતાઓની વિગતો શેર કરી છે. જાન્યુઆરી 2018માં બંને દેશોએ ઓટોમેટિક એક્સચેન્જ ઑફ ઇન્ફર્મેશન (AEOI) કરાર કર્યા ત્યારથી ભારતને સ્વિટ્ઝર્લેન્ડ પાસેથી માહિતીનો આ ચોથો હપ્તો મળ્યો છે. ભારત સાથે આ પ્રકારનું સૌપ્રથમ આદાનપ્રદાન 2019માં થયું હતું.
લેટેસ્ટ યાદીમાં ભારતના અનેક કોર્પોરેટ્સ અને ટ્રસ્ટો સંલગ્ન ખાતો સામેલ છે. હવે સ્વિસ બેંકે ભારતને સોંપેલી ચોથી યાદી પર આવક વેરા વિભાગ દ્વારા નજર રાખવામાં આવશે અને કાર્યવાહી કરશે. તે પછી કોના નામ છે તેનો સંકેત મળી શકશે. એક અધિકારીએ કહ્યું કે ભારતને સોંપાયેલી યાદીમાં મોટાભાગે બિઝનેસમેનોના નામ છે, એમાં કેટલાક એનઆરઆઈ ભારતીય સામેલ છે, જે હવે દક્ષિણ-પૂર્વ એશિયાઇ દેશોની સાથે-સાથે અમેરિકા, બ્રિટન અને કેટલાક આફ્રિકી દેશો અને દક્ષિણ અમેરિકી દેશોમાં વસવાટ કરી રહ્યા છે.
અધિકારીઓના કહેવા મુજબ ભારત, સ્વિસ બેંકો પાસેથી માહિતી પ્રાપ્ત કરવામાં સતત ચોથા વર્ષે મુખ્ય રીતે સામેલ છે. ભારતીય અધિકારીઓને સોંપાયેલી માહિતીની વિગતોમાં મોટી સંખ્યામાં વ્યક્તિઓ અને સંગઠનોના નામ છે, જેમના ખાતા સ્વિસ બેંકમાં છે. હવે આગામી પાંચમી યાદી સ્વિસ બેંક તરફથી ભારતને સપ્ટેમ્બર 2023માં સોંપવામાં આવશે. સ્વિસ બેંકને વિશ્વભરના તાનાશાહો, ભ્રષ્ટ રાજનેતાઓ, અધિકારીઓ અને બિઝનેસમેનોની સૌથી સુરક્ષિત તિજોરી માનવામાં આવે છે. છેલ્લા કેટલાય દાયકાથી સ્વિસ બેંક ભારતીય રાજકારણનું કેન્દ્ર રહી છે. સ્વિત્ઝરલેન્ડમાં પ્રથમ સ્વિસ બેંકની સ્થાપના 1713માં થઈ હતી.
હાલમાં સ્વિટ્ઝર્લેન્ડમાં લગભગ 400થી વધુ બેંકો છે. આ તમામ બેંકો સ્વિસ ફેડરલ બેંકિગ એકટના પ્રાઈવસી એક્ટની કલમ 47 હેઠલ બેંક અકાઉન્ટ ખોલવાનો અધિકાર ધરાવે છે. પરંતુ આપણે જે સ્વિસ બેંકની ચર્ચા કરીએ છીએ, એ હકીકતમાં યુબીએસ બેંક છે, જેને આખી દૂનિયામાં સ્વિસ બેંક તરીકે ઓળખવામાં આવે છે. આ બેંકની સ્થાપના 1998માં યુનિયન બેંક ઓફ સ્વિટ્ઝર્લેન્ડ અને સ્વિસ બેંક કોર્પોરેશનના વિલય બાદ થઈ હતી. આ વિશ્વની ટોપ-3 બેંકો પૈકીની એક છે અને તેની હેડઓફિસ સ્વિટ્ઝર્લેન્ડના ઝ્યૂરિક અને બ્રસેલ્સમાં છે.